Mumbai,તા.01
નાણા મંત્રાલયે વિવિધ નાની બચત યોજનાઓમાં અનિયમિત ખાતાંઓને નિયમિત બનાવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં એક કરતાં વધુ ખાતાંઓ, એનએસએસ-87, સગીરો માટે પીપીએફ એકાઉન્ટ અને સુકન્યા સમૃદ્ધિ યોજના સામેલ છે. નવી માર્ગદર્શિકાનું પાલન 1 ઓક્ટોબરથી અમલી બન્યું છે.
પીપીએફમાં કર્યા આ સુધારાઓ
નવી સુધારેલી માર્ગદર્શિકામાં છ મુખ્ય કેટેગરીમાં અનિયમિત ખાતાંઓને નિયમિત બનાવવાના હેતુ સાથે સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમાં એક કરતાં વધુ પીપીએફ ખાતું ધરાવતા ખાતેદારોનું વધારાનું એકાઉન્ટ અનિયમિત જાહેર કરવામાં આવશે, અને તેમાં વાસ્તવિક 7.1 ટકાના બદલે માત્ર 4 ટકા જ વ્યાજ ચૂકવાશે. વધુમાં એનઆરઆઈ કે, જેઓએ પોતાનું રેસિડેન્સી સ્ટેટસ જાહેર કર્યું નથી, તેમના પીપીએફ ખાતામાં 1 ઓક્ટોબરથી વ્યાજનો લાભ મળશે નહીં.
એનએસએસ-87 એકાઉન્ટઃ 2 એપ્રિલ, 1990 પહેલાં શરૂ કરેલાં ખાતા પર વર્તમાન વ્યાજદર લાગુ થશે, જ્યારે બીજા ખાતા પર POSO રેટ ઉપરાંત 200 બીપીએસ વ્યાજ મળશે. જો કે, તેમાં ડિપોઝિટની મર્યાદાને જાળવવી રહેશે. ઉપરોક્ત તારીખ બાદ શરૂ કરવામાં આવેલા પ્રથમ ખાતાં પર વર્તમાન વ્યાજદર અને બીજા પર સ્ટાન્ડર્ડ રેટ પર વ્યાજ મળશે.
મલ્ટીપલ પીપીએફ એકાઉન્ટઃ પીપીએફના મુખ્ય એકાઉન્ટ પર સ્કીમના વર્તમાન રેટ લાગુ થશે, જ્યારે વધારાના એકાઉન્ટ પર કોઈ વ્યાજ મળશે નહીં.
એનઆરઆઈ પીપીએફ એકાઉન્ટઃ જો ખાતેદાર પીપીએફના મેચ્યોરિટી પિરિયડ દરમિયાન એનઆરઆઈ થયો હોય તો, તેને POSA (પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ) વ્યાજ 30 સપ્ટેમ્બર, 2024 સુધી મળશે, ત્યારબાદ તેને કોઈ વ્યાજ મળશે નહીં.
માઈનોર સેવિંગ્સ એકાઉન્ટઃ આ એકાઉન્ટમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ રેટ મુજબ વ્યાજ મળશે.
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટઃ સગીર બાળકના વાલીઓ કે પાલક માતા-પિતા સિવાય અન્ય કોઈ દ્વારા ખોલાવવામાં આવેલું સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ બંધ કરવામાં આવશે. જેથી ખાતેદારોએ આ એકાઉન્ટ તુરંત તેને તેના માતા-પિતાને સોંપવાનું રહેશે.
કેન્દ્ર સરકારે નાની બચત યોજના પર વ્યાજના દરો જાળવી રાખ્યા
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF): | 7.10% |
સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS): | 8.2% |
સુકન્યા સમૃદ્ધિ યોજના: | 8.20% |
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC): | 7.70% |
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (PO-MIS): | 7.40% |
કિસાન વિકાસ પત્ર (KVP): | 7.50% |
5-વર્ષ રિકરિંગ ડિપોઝિટ (RD): | 6.70% |