Haryana,તા.09
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન પર શંકા વધી ગઈ છે. આમ આદમી પાર્ટી હરિયાણાના પ્રમુખ સુશીલ ગુપ્તાએ સ્પષ્ટ કરી દીધું છે કે જો આજે ગઠબંધન અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો અમે સાંજ સુધીમાં 90 બેઠકો માટે યાદી જાહેર કરી દઈશું.
અમારા 90 ઉમેદવારો તૈયાર- સંજય સિંહ
બીજી તરફ AAP સાંસદ સંજય સિંહે પણ કહ્યું કે સંદીપ પાઠક અને સુશીલ ગુપ્તાએ સ્પષ્ટ કરી દીધું છે કે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને અમે અમારી સીટો જાહેર કરવાની અથવા ચૂંટણી લડવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. પાર્ટી સંગઠન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની મંજૂરી મળતાં જ અમે ચૂંટણી લડીશું. આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય રાજકીય પાર્ટી છે, હરિયાણામાં અમારું સંગઠન મજબૂત છે. નોમિનેશન માટેની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે. હવે અમારી પાસે પૂરતો સમય નથી. સંજય સિંહે આગળ કહ્યું કે, અમારા 90 ઉમેદવારો તૈયાર છે.
12 સપ્ટેમ્બર નોમિનેશનની છેલ્લી તારીખ
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 12 સપ્ટેમ્બર નોમિનેશનની છેલ્લી તારીખ છે. આ પહેલાં આમ આદમી પાર્ટી સતત કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની વાત કરી રહી છે. ગુપ્તાએ કહ્યું કે અમે તમામ 90 બેઠકો માટે તૈયારી કરી રહ્યા છીએ.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસ AAPને 6 વિધાનસભા બેઠકો આપવા માટે સહમત થઈ ગઈ છે. આ ઉપરાંત કોંગ્રેસે સપાને પણ બે બેઠકો આપી છે. સોમવારે ગઠબંધનની જાહેરાત થાય તેવી શક્યતાઓ હતી. પરંતુ આ પહેલા જ સુશીલ ગુપ્તાના નિવેદને શંકા વધારી દીધી છે.
બેઠકો યોજાઈ રહી છે
શનિવાર બાદ રવિવારે પણ હરિયાણા કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા વચ્ચે બેઠક થઈ હતી. સૂત્રોનો દાવો છે કે AAP 10 બેઠકો માગી રહી હતી પરંતુ કોંગ્રેસે તેને આટલી બેઠકો આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કોંગ્રેસે 6 બેઠકોની ઓફર કરી હતી, જેના પર AAP સંમત થઈ હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પંજાબને અડીને આવેલી પિહોવા, કલાયત, જીંદ અને એનસીઆરમાં ગુરુગ્રામ, ઓલ્ડ ફરીદાબાદ અને પાણીપત ગ્રામીણ વિધાનસભા બેઠક AAPને આપવા પર સહમતિ બની છે.
બીજી તરફ AAPએ પંજાબને અડીને આવેલી ગુહલા ચીકા બેઠક પણ માગી છે, પરંતુ આ અંગે કોઈ સહમતિ નથી બની. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને બે બેઠકો આપી છે. NCRમાં સામેલ હથીન અને સોહના વિધાનસભા બેઠકો સપાના ખાતામાં જઈ શકે છે.