New Delhi ,તા.23
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ 2024-25 રજૂ કરતા બિહાર અને આંધ્ર પ્રદેશ માટે મોટી જાહેરાતો કરી. મોદી સરકાર 3.0ના પ્રથમ બજેટ પહેલા બહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના કેન્દ્રના ઈનકાર બાદ રાજકારણ ગરમાયું હતું. બજેટ પહેલા બિહારને વિશેષ રાજ્યના દરજ્જો આપવાના સવાલ અંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું પણ હતું કે, ‘બધું ધીમે-ધીમે ખબર પડશે.’ વાત એમ હતી કે, તેમની નજર બજેટ પર હતી. બીજી તરફ, નાણા મંત્રીએ પણ બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશને નિરાશ ના કર્યા. કેમ નહીં, આખરે સરકાર તેમના જ ટેકાથી તો ચાલી રહી છે.
પૂર્વોદય યોજનાની જાહેરાત
નાણા મંત્રીએ તેમના બજેટ ભાષણમાં ઉત્તરપૂર્વીય રાજ્યોના સર્વાંગી વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશને પણ આવરી લેવાયા છે. નાણા મંત્રીએ કહ્યું કે ‘આ યોજના હેઠળ માનવ સંસાધન, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે અને આર્થિક તકો ઉભી થશે. તેનાથી આ રાજ્યો વિકસિત ભારતના એન્જિન બનીને સામે આવશે.
તેમણે કહ્યું કે, અમૃતસર-કોલકાતા ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર હેઠળ ઈન્ડસ્ટ્રિયલ લોડ ગયાનો વિકાસ કરવામાં આવશે. બજેટમાં પટણા-પૂર્ણિયા એક્સપ્રેસ વે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસવે, બોધગયા-રાજગીર-વૈશાલી અને દરભંગા સ્પર્શની સાથે જ બક્સરમાં ગંગા નદી પર નવા બે-લેન પુલના નિર્માણની પણ જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ્સ પાછળ 26 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
21,400 કરોડના પાવર પ્રોજેક્ટ્સની જાહેરાત
બજેટમાં નાણામંત્રીએ ભાગલપુર જિલ્લામાં 2400 મેગા વોટના પાવર પ્લાન્ટ સહિત રૂ. 21,400 કરોડના પાવર પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત નવા એરપોર્ટ, મેડિકલ કોલેજો અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પણ કરાશે. આ સિવાય બિહાર સરકારના મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંકો પાસેથી મદદ માટેની વિનંતીમાં તેજી લાવવાની પણ સરકારે ખાતરી આપી છે. બજેટમાં ગયામાં વિષ્ણુપદ કોરિડોરના નિર્માણનું પણ જાહેરાત કર્યું છે.
આ ઉપરાંત નાણામંત્રીએ બજેટના ભાષણમાં આંધ્ર પ્રદેશની વાત કરતા કહ્યું કે ‘આંધ્ર પ્રદેશની મૂડીની જરૂરિયાતોને ઓળખીને સરકારે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાના પ્રયાસો કર્યા છે. તો આંધ્રની રાજધાની અમરાવતીના વિકાસ માટે પણ રૂ. 15 હજાર કરોડની ફાળવણી કરાઈ છે.’
વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર માટે સ્પેશિયલ પેકેજની પણ જાહેરાત
તેમણે કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર બહુપક્ષીય એજન્સીઓ દ્વારા વિશેષ નાણાકીય સહાય પૂરી પાડશે. સરકાર પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટને જલ્દી પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ અને તેના ખેડૂતો માટે લાઈફલાઈન છે. નાણામંત્રીએ વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર માટે સ્પેશિયલ પેકેજની પણ જાહેરાત કરી છે.’