Bhavnagar,તા.21
ભાવનગરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ આગ લાગવાના બનાવ બનવા પામ્યા હતા. સીદસર ગામ નજીક આવેલ ઓઇલ મીલમાં કપાસિયાના ખોળમાં આગ ભભુકી ઉઠતા ફાયર બ્રિગેડ કાપલો દોડી ગયો હતો.અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.સુભાષનગર એરપોર્ટ રોડ પર આવેલ પ્લાસ્ટિક વેસ્ટના ડેલામાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાપલો દોડી ગયો હતો અને પાણી છાંટી આગ બુજાવી હતી.તથા નવાપરા, ટેકનિકલ સ્કૂલ પાસે આવેલ લીમડાના ઝાડ પર ઈલેક્ટ્રીક લાઈનના કારણે ભાગ ભભૂકી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના સીદસર ગામ, શામપરા રોડ પર આવેલ તળાવ નજીક મારુતિ ઇન્ડસ્ટ્રીઝ નામની કપાસિયા તેલની ઓઇલ મીલમાં ગોડાઉનમાં રાખેલ કપાસિયાના ખોળના જથ્થામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટના અંગે જીગ્નેશભાઈ બલર દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને એક ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આગની આ ઘટનામાં કપાસીયાનો ખોળ સળગી ગયો હતો.આગ લાગવાનું કારણ કે નુકશાની જાણવા મળેલ નથી જ્યારે બીજા બનાવમાં ભાવનગરના સુભાષનગર એરપોર્ટ રોડ પર આવેલ ભોપાલ રેસ્ટોરન્ટની સામેના ભાગમાં આવેલ જોસેફભાઈ મેતરની માલિકીના પ્લાસ્ટિકના વેસ્ટના ડેલામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.અને આગ પર અડધી ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી.આગમાં પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો સળગી જવા પામ્યો હતો. આગ લાગવાનું કારણ અને નુકસાની જાણી શકાય ન હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે ત્રીજા બનાવમાં ભાવનગરના નવાપરા, ટેકનિકલ સ્કૂલ પાસે આવેલ લીમડાના ઝાડ પર ઈલેક્ટ્રીક લાઈનના કારણે ભાગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઈ હતી અને વીજ પુરાવઠો બંધ કરાવી લીમડા પર પાણી છાંટી આગ બુઝાવી હતી.