Bhavnagar,તા.21
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ હેઠળ ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં વર્ષો જૂના મંજૂર મહેકમની સામે મોટાભાગની જગ્યા ભરતીના અભાવે ખાલી રહેવા પામી છે અને તંત્રની ઢીલી નીતિના પરિણામે હાલ યુજી એટલે કે સ્નાતક કક્ષાના શિક્ષકોની મંજૂર જગ્યા પૈકી ૬૬ ખાલી જગ્યા તથા પીજીમાં ૩૦ જગ્યા તો રદ્દ થઇ ચુકી છે. જ્યારે ત્રણ વર્ષની મર્યાદાવાળી ભરવાપાત્ર યુજીમાં ૧૩ અને પીજીમાં ૯ જગ્યા અંગે પણ નિયત સમયમર્યાદામાં નિર્ણય કરવો જરૂરી બન્યો છે.
સ્મોલ બટ બ્યૂટીફૂલ ગણાતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વર્તમાન સ્થિતિની નહીં પણ જુના મંજૂર મહેકમની સરખાણીએ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પુરતા અધયાપકો ન હોવાની ફરિયાદ હવે યુનિ. તંત્રથી લઈ રાજ્યના શિક્ષણ વિભાગ, વિદ્યાર્થી તથા તેમના વાલી વર્ગ માટે સામાન્ય બની છે. શિક્ષણ માટે જરૂરી એવા અધાયપકોના અભાવે યુનિ.માં દર વર્ષે વિદ્યાર્થી સંખ્યામાં વધારો થવાના બદલે ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો, બીજી તરફ કેન્દ્ર સરકારે નેશન એજ્યુકેશન પોલિસી -૨૦૨૦ લાગુ કરી છે ત્યારે વિષયોની વૈવિધ્યતાના વધારાની સાથે શિક્ષકોની પણ જરૂરિયાત સ્વાભાવિક વધવી જોઇએ. જ્યારે યુનિવર્સિટીનું મંજૂર મહેકમ વર્ષો જૂનું યથાવત રહેવા પામ્યું છે અને તેમાં પણ ભરતી નહીં થતા અને નિવૃત્તિનો રેશિયો વધતા મોટાભાગની જગ્યાઓ ખાલી રહેવા પામી છે અને વિઝીટીંગ ફેકલ્ટીથી ગાડુ ગબડાવાઇ રહ્યું છે અને તેમાં પણ ત્રણ વર્ષની મર્યાદાવાળો નિયમ જોઇએ તો પ્રોફેસરની ૯ એસોસિએટ્સ પ્રોફેસરની ૧૩ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ૮ જગ્યા સમય જતા રદ્દ થઇ ચુકી છે. જ્યારે પ્રોફેસર, એસો. પ્રોફેસર તથા આસિ. પ્રોફેસરની ક્રમશઃ ૧, ૪ અને ૪ જગ્યા એવી છે જેને ખાલી પડયાને હજુ ત્રણ વર્ષ નથી થયા જે ભરવાપાત્ર છે. આવી જ રીતે યુજીમાં એટલે કે સ્નાતક કક્ષાએ સર પી.પી.સાયન્સ કૉલેજમાં ૨૭ જગ્યા રદ્દ થઇ છે અને ૬ જગ્યા પાત્રતા ધરાવે છે. એમ.જે. કોમર્સ કોલેજમાં ૨૨ જગ્યા રદ્દ થઇ છે અને ૩ જગ્યા પાત્રતા ધરાવે છે. તો શામળદાસ આર્ટસ કોલેજમાં ૧૭ જગ્યા રદ્દ થઇ ચુકી છે અને ૪ જગ્યા ભરવાપાત્ર હોવાનું જણાયું છે. આમ યુજીમાં ૧૩ અને પીજીમાં ૯ જગ્યા જો તાકીદે ભરવા કાર્યવાહી નહીં થાય તો તે પણ રદ્દ થવાને અવકાશ છે. જાણવા મળ્યા મુજબ પીજીની પાત્રતા ધરાવતી ૯ જગ્યાનું રોસ્ટર મંજૂર થયું છે. જ્યારે યુજીની પાત્રતા ધરાવતી ૧૩ જગ્યાનું રોસ્ટર પ્રમાણીત કરવાનું બાકી હોવાનું જણાયું છે. દરમિયાન દિવ્યાંગ અનામતનો નિયમ લાગુ કરાતા આ પ્રક્રિયા પણ વિલંબીત બની છે. ત્યારે આ બાબત એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં મુકવાનો નિર્ણય લેવાયો છે પરંતુ લાંબા સમયથી ઇ.સી. સભા પણ મળી શકતી નથી ત્યારે સમગ્ર પ્રક્રિયાને વેગ આપવા ઇ.સી. અને દરખાસ્ત સહિત મંજુરી મેળવવાના ચક્રો ગતિમાન કરવા અનિવાર્ય બન્યા છે.