Mithapur, તા.૧૧
દેવભૂમી દ્વારકા જીલ્લા સ્થિત યાત્રાધામ બેટ દ્વારકામાંથી સરકારી જમીન પર ગેરકાયદેસરના થયેલ જમીન દબાણ દૂર કરવાનુ ઉચ્ચાધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવેલુ છે. બપોરના લગભગ ૧૨.૩૦ વાગ્યા સુધીમાં ૪૦ જેટલા ગેરકાયદે દબાણો દૂર કરીને લગભગ ૭૦ લાખ રૂપિયાની કિંમત જેટલી જમીન ખાલી કરાવવામાં આવેલી છે. ઓખા અને દ્વારકા તરફથી આવતા લોકોને ઓખાથી જ્યાં બ્રીજની શરૂઆત થાય છે ત્યાંજ અટકાવવામાં આવ્યા હતા અને યાત્રીકો માટે પણ બેટ આવવા પર મનાઈ ફરમાવવામાં આવેલી છે. આ લખાય છે ત્યાં સુધી હજુ ડીમોલીશનની કામગીરી ચાલુ જ છે અને હજુ વધુ જમીન દબાણ દૂર કરવામાં આવનાર છે. અત્રે યાદ અપાવીએ કે આવા દબાણો કરનારઓને નોટીસ પણ પાઠવવામાં આવી હતી. આ બધા વચ્ચે વેધક સવાલ એવા પણ ઉભા થયા છે કે દબાણ દૂર કરવાના કાર્યમાં કોઈ રાજકીય અવરોધ તો ઉભો નહિં થાયને? આ ઝુંબેશ બંધ કે અટકાવવામાં તો નહિં આવે ને?
જમીન દબાણ મામલે અનેક સવાલ..?
દેવભૂમી દ્વારકા જીલ્લાના યાત્રાધામ બેટ દ્વારકામાં ગેરકાયદેસર રીતે સરકારી જમીન પરના દબાણો દુર કરવાનુ શરૂ થયુ છે ત્યારે આ સમયે જીજ્ઞાસુઓના મનમાં અનેક સવાલ ઉભા થાય તે સહજ બાબત છે. આવા તોતિંગ દબાણો કાંઈ એક-બે દિવસમાં થયા નથી તો જે તે સમયના ઓખા ન.પાના પ્રમુખ, જે તે સમયના મામલતદાર, જે તે સમયના તલાટી કે જે તે સમયના પ્રાંત અધિકારીઓ કયાં હતા? જે પ્રથમથી આ અંગે દુર્લક્ષ સેવાયો ન હોત તો આટલા મોટા ગેરકાયદે જમીન દબાણ થયા જ ન હોત તે સૌકોઈ સમજી શકે છે. તો જે તે સમયે અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા કે ચલાવી લેવામાં આવેલ હતુ?