Mumbai,તા.10
મહાનગરી મુંબઈના માર્ગો પર જાહેર ટ્રાન્સપોર્ટ માટે લોકલ ટ્રેનની માફક જ ખૂબજ જાણીતી ‘બેસ્ટ’ની એક બસ પર ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા સંખ્યાબંધ વાહનોને હડફેટમાં લઈને ગંભીર અકસ્માત સર્જયો હતો.
જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. પ્રારંભમાં આ અકસ્માતને એક ત્રાસવાદી હુમલા જેવો ગણાવાયો હતો અને જે રીતે બસ રોડ પર જઈ રહેલા પદયાત્રીઓ તથા નાના વાહનોને અડફેટમાં લઈ રહી હતી તેથી ભારે ગભરાટનું વાતાવરણ સર્જાઈ ગયું હતું તથા માર્ગો પર નાસભાગ થઈ હતી.
આ અકસ્માત કુર્લા પશ્ચિમમાં એસ.જી.ખર્વ રોડ પર બન્યો હતો. મુસાફરોની ભરચક બેસ્ટની રૂટને 332ની બસ જે કુર્લા અને અંધેરી વચ્ચે દોડતી હતી. તેના ડ્રાઈવરે અચાનક જ વાહન પરનો કાબુ ગુમાવી દીધો હોય તેમ બસ માર્ગ પર દ્વીચક્રી વાહન- પગપાળા જતા નાગરિકો અને અન્ય વાહનોને હડફેટમાં લેતા કોઈ ગાંડા થયેલા હાથીની માફક આગળ વધતી હતી.
ગઈકાલે રાત્રીના 9.30 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. બસ આ માર્ગ પર એલ-વોર્ડ ઓફિસ નજીકના વ્હાઈટ હાઉસ બિલ્ડીંગ પાસે પહોંચી પછી બેકાબુ થઈ હતી અને લગભગ 10 મીનીટ સુધી તે માર્ગમાં જે આવે તેને હડફેટમાં લઈને દોડતી રહી.
અંતે અહીના આંબેડકરનગરના દરવાજા સાથે અથડાઈને રોકાઈ હતી તે દરમ્યાન પગપાળા જતા 10 લોકો ઉપરાંત ઓટો રિક્ષા 10 મોટર સાયકલને હડફેટમાં લીધા હતા. બસની આ હાલતથી અંદર રહેલા મુસાફરો પણ ચીસો પાડવા લાગ્યા હતા તો લોકોમાં ત્રાસવાદી હુમલો થયો છે તેવું જાણી નાસભાગ મચી ગઈ હતી. બસ અથડાયા બાદ લોકોએ ડ્રાઈવરને ઝડપી માર માર્યો હતો પણ પોલીસ આવી પહોચતા તે બચી ગયો હતો.
અનેક વાહન ચાલકો બસની સાથે ઘસડાયા હતા. બેસ્ટના અધિકારીઓ હવે આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. પ્રાથમીક રીતે બસની બ્રેક ફેઈલ થયાનું અનુમાન છે. 43 વર્ષના ડ્રાઈવર સંજય મોરેની ધરપકડ થઈ છે. ઘટના સાથે જ ચાર લોકોના મોત થયા હતા અને અન્ય ઘાયલોમાં વધુ બે એ હોસ્પીટલમાં સારવાર સમયે અંતિમ શ્વાસ લીધો હતો. હજુ અનેકની હાલત ગંભીર છે.
લોકોમાં જે રીતે નાસભાગ થઈ અને ચીસાચીસ થઈ તેનાથી ત્રાસવાદી હુમલો થયાનો ભય સર્જાયો હતો. જે બાદ આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા નાસભાગ કરવા લાગતા તુર્તજ મુંબઈ પોલીસની કવીક રીસ્પોન્સ ટીમ અને રેપીડ એકશન ફોર્સને તૈનાત કરીને લોકોનો ગભરાટ શાંત કરવામાં આવ્યો હતો.
હવે બસને ટેકનીકલ તપાસ માટે મોકલવામાં આવી છે. તેના પરથી અકસ્માતનું કારણ જાણી શકાશે. કુલ 25ને ઈજા થઈ છે.
ડ્રાઈવરની પહેલી જ ટ્રીપ હતી: બસની બ્રેક ફેઈલ થયાનું અનુમાન
ટોળાએ ડ્રાઈવરને ઘેરી લીધો હતો પોલીસે બચાવ્યો
મુંબઈમાં કુર્લાના એસ.જી.બર્વ માર્ગ પર દોડી રહેલી બેસ્ટની બસ ઓચીંતી જ જે રીતે બેકાબુ થઈ અને માર્ગો પર તમામને હડફેટમાં લેતી દોડવા લાગી તે પછી તે એક સોસાયટીના ગેઈટ સાથે અથડાઈને રોકાઈ હતી. આ બસના 43 વર્ષના ડ્રાઈવર સંજય મોરેની ધરપકડ થઈ છે.
બેસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ તેની આ પહેલીજ ટ્રીપ હતી અને અકસ્માત તેની બેદરકારીથી થયો કે પછી બસની બ્રેક ફેઈલ થઈ તે કારણની તપાસ ટેકનીકલ ટીમ કરી રહી છે. બેસ્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
બેસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રેક ફેઈલ કારણ હોઈ શકે છે જેથી ગભરાઈ ગયેલા ડ્રાઈવરે એકસીલેટર પર પગ દબાવી દીધો હશે. આ ઘટના બાદ બેસ્ટની તમામ બસોની અટકાયતના આદેશ અપાયા છે.