આ ગોલ્ડ કાર્ડ, ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે, ગોલ્ડ કાર્ડ મેળવ્યા બાદ વ્યકિતને ગ્રીન કાર્ડથી વિશેષ અધિકાર આપવામાં આવશે
Washington ,તા.૨૬
અમેરિકા જઈને વસવા ઈચ્છતા ધનાઢ્ય લોકો માટે ટ્રમ્પે સારા સમાચાર આપ્યા છે. આ માટે તેમણે મોટી રકમ ખર્ચ કરવી પડશે. ટ્રમ્પની યોજના મુજબ જે લોકો અમેરિકાની નાગરિકતા મેળવવા ઈચ્છતા હોય તેમણે ૫ મિલિયન ડૉલર (આશરે ૪૩ કરોડ ૫૫ લાખ રૂપિયા) ખર્ચ કરવા પડશે. આ યોજનાને ગોલ્ડ કાર્ડ યોજના નામ આપવામાં આવ્યું છે.આ ગોલ્ડ કાર્ડ, ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે. ગોલ્ડ કાર્ડ મેળવ્યા બાદ વ્યકિતને ગ્રીન કાર્ડથી વિશેષ અધિકાર આપવામાં આવશે. તેનાથી અમેરિકામાં રોકાણ કરવામાં અને નાગરિકતા મેળવવાનો મોકો પણ મળશે. ભવિષ્યમાં એક મિલિયન એટલે કે ૧૦ લાખ કાર્ડ વેચવામાં આવશે.આ યોજનાનો ટાર્ગેટ વિશ્વભરમાંથી ધનવાન લોકોને અમેરિકા તરફ ખેંચવાનો છે. જે દેશમાં નોકરીઓની તકો પણ વધારશે. ટ્રમ્પે કહ્યું, અમે એક ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. આ કાર્ડની કિંમત લગભગ ૫ મિલિયન ડૉલર હશે. ઑવલ ઓફિસમાં વાણિજ્ય સચિવ હાર્વર્ડ લુટનિક સાથે કાર્યકારી આદેશ પર સહી કરતાં ટ્રમ્પે કહ્યું, અમે એક ગોલ્ડ કાર્ડ વેચવા જ રહ્યા છીએ. તમારી પાસે ગ્રીન કાર્ડ છે, પરંતુ આ ગોલ્ડ કાર્ડ છે. તેની કિંમત ૫ મિલિયન ડૉલર હશે અને તેનાથી તમને ગ્રીન કાર્ડ જેવા વિશેષ અધિકાર મળશે.ટ્રમ્પે કહ્યું, ઈબી ૫ વીઝા કાર્યક્રમને ગોલ્ડ કાર્ડમાં બદલવામાં આવશે. જે મોટી રકમવાળા વિદેશી નાગરિકોને અમેરિકામાં નોકરી સર્જન કરવા માટે કાયમી રહેઠાણની મંજૂરી આપે છે. વેબસાઈટ મુજબ, ઈબી ૫ ની શરૂઆત ૧૯૯૦માં કૉંગ્રેસે વિદેશી રોકાણકારો દ્વારા રોજગારી સર્જન અને મૂડી રોકાણના માધ્યમથી અમેરિકાના અર્થતંત્રને પ્રોત્સાહિત કરવા માટે કરી હતી.