Mumbai , તા.18
ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બન્યા બાદ ગૌતમ ગંભીર ખેલાડીઓને આરામ આપવાના પક્ષમાં નથી. બીસીસીઆઈના નવા નિયમથી ટીમનો કોચ ગંભીર નાખુશ જણાઈ રહ્યો છે. ગંભીર નથી ઈચ્છતો કે કોઈ ખેલાડી માત્ર એક જ ફોર્મેટમાં રમે. ગંભીરનું માનવું છે કે જો તમે દેશ માટે રમી રહ્યા છો તો તમારે ત્રણેય ફોર્મેટમાં રમવા માટે તૈયાર રહેવું જોઈએ. તે કોઈ ચોક્કસ સિરીઝમાં આરામ આપવા કે વર્કલોડ મેનેજમેન્ટના પક્ષમાં નથી.
બોર્ડ દ્વારા બનાવાયો નવો નિયમ
બીસીસીઆઈએ ભારતીય ટીમના ત્રણ સીનીયર ખેલાડીઓને મોટી રાહત આપી છે. પરંતુ ગંભીર આ નિર્ણયના પક્ષમાં બિલકુલ નથી. બોર્ડના નવા નિયમ અનુસાર જે ખેલાડીઓ ભારત માટે નથી રમી રહ્યા તે ખેલાડીઓએ ખાલી સમયમાં ઘરેલું મેચ રમવી પડશે. કોચ ગંભીર આ નિયમના સમર્થનમાં નથી. તેનું માનવું છે કે ખેલાડીઓ હંમેશા દેશ અને પોતાના રાજ્યની ટીમ માટે ઉપલબ્ધ હોવા જોઈએ.
ત્રણ ખેલાડીઓને આરામ અપાયો
બીસીસીઆઈના નિયમ અનુસાર ટેસ્ટ મેચ રમવા માટે દરેક ખેલાડીઓએ ઓછામાં ઓછી એક ઘરેલું મેચ રમવી જરૂરી છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટર વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે ઘરેલું મેચ રમવાની જરૂર રહેશે નહીં.
ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની સાથે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ થયા નથી
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અનુસાર ઘરેલુ ક્રિકેટ રમવાથી ખેલાડીઓને વધુ સારા ફોર્મમાં આવવા અને ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર થવામાં મદદ મળશે. ગયા વર્ષે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને ઘરેલુ મેચો ન રમવા બદલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવાયા હતા. અને તેમણે ટીમમાંથી પોતાનું સ્થાન પણ ગુમાવ્યું હતું.
આગામી ટેસ્ટ સિરીઝ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની સામે
ઓગસ્ટમાં ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. ઓગસ્ટમાં દુલીપ ટ્રોફીની મેચો પણ યોજાશે, જે ખેલાડીઓને સિરીઝ પહેલા તૈયાર થવાની તક આપશે. નવા નિયમોમાં કેટલાક ખેલાડીઓને મુક્તિ મળવા પર સવાલો ઉઠી રહ્યા છે. એ જોવું જ રહ્યું કે આ નિયમ ભારતીય ટેસ્ટ ક્રિકેટને સુધારવામાં મદદ કરે છે કે નહીં.