BCCI નું ખેલાડીઓની પત્નીઓને પ્રવાસ પર સાથે લઈ જવા પર કડક વલણ

Share:

Mumbai,તા.15

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કડક પગલાં લેવાનું વિચારી રહ્યું છે. બોર્ડર – ગાવસ્કર ટ્રોફીમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો જેનાં કારણે ખેલાડીઓની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

બીસીસીઆઈએ થોડાં દિવસો પહેલાં આ અંગે સમીક્ષા બેઠક યોજી હતી અને હવે સમાચાર સામે આવી રહ્યાં છે કે, બોર્ડ કેટલાક કડક પગલાં લેવાનું વિચારી રહ્યું છે. આ સમીક્ષા બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા અને પસંદગી સમિતિનાં અધ્યક્ષ અજીત અગરકર સહિત ટીમ મેનેજમેન્ટે પણ ભાગ લીધો હતો.

બીસીસીઆઈ અનુશાસનાત્મક પગલાં લઈ શકે છે જેમાં વિદેશ પ્રવાસોમાં ક્રિકેટરોની પત્નીઓની હાજરીને મર્યાદિત કરવાનો સમાવેશ થઈ શકે છે. આ સિવાય તેમાં કોચ અને ખેલાડીઓના મેનેજરને ટીમ બસમાં મુસાફરી કરતાં રોકવાનો પણ સમાવેશ થાય છે. ખબર છે કે મેચ દરમિયાન ઘણાં ક્રિકેટરોની પત્નીઓ સ્ટેડિયમમાં હાજર હોય છે, પરંતુ હવે બીસીસીઆઈ આ અંગે કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે. 

જો બીસીસીઆઈ આ નિર્ણય લે છે, તો 45 દિવસ કે તેથી વધુ સમયનાં પ્રવાસમાં ખેલાડીઓ તેમની પત્નીઓ અને પરિવારનાં અન્ય સભ્યોને માત્ર બે અઠવાડિયા માટે જ પોતાની સાથે રાખી શકશે. જો પ્રવાસ 45 દિવસથી ઓછા સમય માટે છે તો આ સમયગાળો એક અઠવાડિયાનો હોઈ શકે છે.

આ સિવાય ખેલાડીઓ વિદેશ પ્રવાસ દરમિયાન અન્ય કોઈપણ વાહનમાં મુસાફરી કરી શકશે નહીં અને ટીમ બસનો જ ઉપયોગ કરવાનો રહેશે. મોટાભાગનાં ખેલાડીઓ આ નિયમનું પાલન કરે છે, પરંતુ કેટલાક પ્રસંગોએ ખેલાડીઓ અને સહાયક સ્ટાફનાં સભ્યો અન્ય વાહનોનો ઉપયોગ કરે છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસનાં નિરાશાજનક પ્રદર્શનને લઈને બોલાવવામાં આવેલી સમીક્ષા બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ તેમાંથી કોઈ પણ તાત્કાલિક અસરથી લાગું કરવામાં આવ્યું નથી. ટીમ બસમાં પ્રવાસ કરી રહેલાં ખેલાડીઓ અને કોચના મેનેજરોનો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ દરમિયાન કોચિંગ સ્ટાફનાં એક વરિષ્ઠ સભ્યના મેનેજરે ટીમની બસમાં મુસાફરી કરવાની મંજૂરી આપી હતી.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વિદેશ પ્રવાસ દરમિયાન પત્નીઓની હાજરી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ સિવાય તમામ ખેલાડીઓ અને કોચે ટીમ બસમાં જ મુસાફરી કરવી જોઈએ. આવું હંમેશાંથી થતું આવ્યું છે, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું છે કે ખેલાડીઓ અન્ય વાહનોનો પણ ઉપયોગ કરવા લાગ્યાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *