Dhaka,તા.3
‘ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો અને તમારું માથું ઢાંકો…’ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON) કોલકાતાએ બાંગ્લાદેશમાં તેના સહયોગીઓ અને અનુયાયીઓને આ સલાહ આપી છે. જેથી તેઓ પડોશી દેશમાં કટ્ટરપંથીઓથી બચી શકે અને પોતાની સુરક્ષા કરી શકે.
ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે જણાવ્યું હતું કે, ’લોકોએ મંદિર અને ઘરની અંદર તેમના ધર્મનું પાલન કરવું જોઈએ, પરંતુ બહાર જતી વખતે સાવચેત રહેવું જોઈએ. હું તમામ સાધુઓ અને સભ્યોને સલાહ આપી રહ્યો છું કે સંકટના આ સમયમાં પોતાની સુરક્ષા માટે દરેક શક્ય પ્રયાસો કરે. હું તેમને ભગવો ન પહેરવા, તિલક ભૂસી નાખવા, તુલસી માળા છુપાવવા અને માથું ઢાંકીને રાખવાની સલાહ આપું છું.’
અહેવાલો અનુસાર, રાધારમણ દાસે અપીલ કરી છે કે જો તમે તુલસી માળા પહેરવા માંગતા હોય તો તેને એવી રીતે પહેરો કે તે કપડાની અંદર છુપાયેલ રહે અને ગળાની આસપાસ દેખાઈ ન શકે.
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ અને ઈસ્કોન સાધુઓ સામે હિંસાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં એક કાયદાકીય કેસમાં આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરનારા એડવોકેટ રમણ રોય પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો છે અને તેમની હાલત અત્યંત નાજુક છે.
હુમલા અંગે માહિતી આપતાં, પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે જણાવ્યું હતું કે, ’રમણ રોયના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો.
તેમણે માત્ર ભૂલ એ હતી કે કોર્ટમાં ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કર્યો હતો. આ હુમલામાં ’રમણ રોય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેઓ હાલ આઈસીયુમાં છે.’
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની 17 કરોડની વસ્તીમાં હિન્દુઓની સંખ્યા 8 ટકા છે. દેશના 50થી વધુ જિલ્લાઓમાં હિન્દુ લઘુમતીઓ પર 200થી વધુ હુમલા નોંધાયા છે.