Gujarat,તા,25
અમદાવાદમાં ભાદરવા સાથે હવે અષાઢી માહોલ પણ જામે તેવી સંભાવના છે. આજે અમદાવાદમાં 37.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું અને હવે ગુરુવારથી શનિવાર એમ 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
નવરાત્રિમાં 4 થી 6 ઓક્ટોબર દરમિયાન પણ વરસાદની સંભાવનાથી ખેલૈયાઓ ચિંતામાં
અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો વધારો થયો હતો. છેલ્લા પાંચ દિવસમાં જ અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી જેટલું વધી ગયું છે. આ ઉપરાંત ગત રાત્રિએ સરેરાશ લધુતમ તાપમાન સામાન્ય કરતાં 3.4 ડિગ્રી વધીને 28.4 ડિગ્રી નોંધાયું હતું. આમ, દિવસે જ નહીં રાતે પણ ગરમીથી લોકો અકળાયા હતા.
મંગળવારે દિવસ દરમિયાન તાપ રહ્યા બાદ મોડી સાંજે વાદળછાયું વાતાવરણ થઇ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી 26થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં બુધવારે હળવા, ગુરુવાર-શુક્રવારના ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત નવરાત્રિમાં 4 થી 6 ઓક્ટોબર દરમિયાન પણ વરસાદની વકી છે.
આગામી ચાર દિવસ ક્યાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ
25 સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.
26 સપ્ટેમ્બર: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.
27 સપ્ટેમ્બર: વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર.
28 સપ્ટેમ્બર: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય તે માટે હજી 38 સેમીનું બાકી
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે. હાલ ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહી છે. ડેમ સંપૂર્ણ ભરાય તે માટે હજૂ 38 સેમીનું લેવલ બાકી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 78,301 કયુસેક થઇ રહી છે. જો કે ચોમાસાનું ચાલુ સિઝનમાં સંપૂર્ણ સપાટી 138.68 મીટર છે. હાલ ઉપરવાસથી આવક ચાલુ રહેતા નર્મદા નદીમાં કુલ 91,919 કયુસેક પાણી છોડાઇ રહ્યું છે.
જો કે ડેમનો હાલ એકજ ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જે 0.50 મીટર જેટલો ખુલ્લો છે. નદીમાં 78 હજાર કયુસેકથી વધુ પાણી ઠલવાઇ રહ્યું હોવાથી કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાવધ કરી દેવામાં આવ્યા છે.