Babra. તા.13
હાર્ટએટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને વધું પ્રમાણમાં યુવાનો તેનો ભોગ બની રહ્યાં છે. ત્યારે બાબરામાં ખેડૂત વાડીએથી જમવા આવ્યાં અને અચાનક જ બેભાન થઈ ઢળી પડ્યાં હતાં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવારમાં દમ તોડતાં પરીવારમાં કલ્પાંત છવાયો હતો. હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, બાબરામાં દાનેવ નગરમાં પોલીસ લાઇન પાછળ રહેતાં મયંકસિંહ કેશવભાઈ પરમાર (ઉ.વ.44) ગઈકાલે સવારે પોતાની વાડીએ ગયાં હતાં. જ્યાંથી બપોરના સમયે તેઓ ઘરે જમવા માટે પહોંચ્યા હતાં. દરમિયાન અચાનક જ તેઓને છાતીમાં દુખાવો ઉપડતાં બેભાન થઈ ઢળી પડયા હતાં.
પરિવારજનો દ્વારા તેમને સારવાર અર્થે પ્રથમ આટકોટ કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાંથી તેમને વધું સારવાર અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ટૂંકી સારવારમાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો.
વધુમાં મૃતક, ખેતીકામ કરતાં અને ચાર ભાઈ-બહેનમાં નાના હતા અને સંતાનમાં બે પુત્રો છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતાં પરીવારમાં કલ્પાંત છવાયો હતો.