Babara,તા.૨૩
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા ગામના સરપંચ વિપુલભાઈ સાવલિયાએ ગોંડલ બિ ડિવિઝન પોલીસમાં મોટા દડવા ગામના નયનપરી ગોસ્વામી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે. નયનપરીએ બસની ખરીદી કરી રૂ. 4.25 લાખ નહિ ચૂકવતા મામલામાં ફરિયાદ નોંધાઈ છે.
વિપુલભાઇ વજુભાઇ સાવલીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ હાલ માણેકવાડા ગામમાં છેલ્લા દોઢેક વર્ષથી સરપંચ તરીકે સેવા આપે છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર હાલ હું ટ્રાવેલ્સનો ધંધો કરૂ છું, મારી આ બસો સ્પેશિયલ ટુર તથા લગ્ન પ્રસંગ, ધાર્મિક યાત્રાઓમાં મુકું છું અને મારી પાસે એક લક્ઝરી બસ જેના ૨જી. નંબર જીજે-01-બીવી-9086 નંબર મોડલ-૨૦૦૯ ની છે. આ બસ મે આશરે આઠેક મહીના પહેલા અમદાવાદ મુકામેથી લીધેલ હતી.
બાદમાં વિશાલભાઈએ આજથી આશરે દોઢેક મહીના પહેલા મને ફોન કરી વાત કરેલ કે તમારે તમારી લક્ઝરી બસ વેચવાની હોય તો એક ખરીદના૨ મારા ઓળખીતા નયનપરી પ્રતાપપરી ગૌસ્વામી રહે. મોટા દડવાવાળા છે. જેથી મે હા પાડેલ અને મારી બસ ગોંડલ ખાતે મુકેલ હતી. ત્યા જઈ જોઇ લેવાનું કહેલ અને ત્યારબાદ તા.૩૦/૦૭/૨૦૨૪ ના રોજ નયનપરી પ્રતાપપરી ગૌસ્વામી રહે.મોટા દડવા વાળા ગોંડલ ખાતે જઇ આ મારી બસ જોઇ આવેલ હતા અને ત્યારબાદ મને ફોન કરી બસ ખરીદવા માટે વાતચીત કરેલ અને આ બસની કિંમત રૂ.૬,૩૦,૦૦૦ માં વેચવાનુ નક્કી કરેલ હતુ. જે પૈસા પૈકી રૂ. ૧,૫૫,૦૦૦ નયનપરીએ તા. ૦૧/૦૮/૨૦૨૪ ના બપોરના સાડા અગીયારેક વાગ્યે મારા કહેવાથી નિખીલભાઈ ચીમનભાઈ દેત્રોજાને ગુંદાળા ચોકડી ખાતે વિશાલભાઈ હસ્તક આપેલ હતા અને ગોડલ ગુંદાળા ચોકડી ખાતે રાખેલ લક્ઝરી બસ તથા અસલ તમામ ડોક્યુમેન્ટ આ નયનપરી ત્યાથી લઈ ગયેલ હતો.
ત્યારબાદ બીજા રૂ. 50 હજાર મારા કહેવાથી મારા ઓળખીતા વિશાલપરી મહેશપરી ગૌસ્વામીને મોટા દડવા ગામે આપેલ હતા. એમ કુલ મળી રૂ.૨,૦૫,૦૦૦ મને નયનપરીએ આપેલ હતા અને ત્યારબાદ બાકી રહેલ પૈસા રૂ.૪.૨૫,૦૦૦ નયનપરીએ અનેકવાર વાયદા આપ્યા બાદ પણ નહિ આપતાં અંતે સરપંચે ગુનો નોંધાવ્યો હતો.