Dubai,તા.25
ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે કહ્યું છે કે, વિરાટ કોહલી જ્યારે પાકિસ્તાન સામે સદીની નજીક હતો, ત્યારે તેણે બીજા છેડે બેટીંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ભારતને જીતવા માટે 19 રનની જરુર હતી અને કોહલી 86 રન રમી રહ્યો હતો, ત્યારે અક્ષર બેટિંગ કરવા આવ્યો હતો.
અક્ષરે આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલાં વીડિયોમાં કહ્યું કે ‘અંતે, મેં પણ તેની સદીની ગણતરી કરવાનું શરૂ કર્યું. હું આશા રાખતો હતો હું ચોગ્ગા છગ્ગા ન મારું. તેથી તે ખૂબ જ મનોરંજક હતું.
જોકે પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ 42મી ઓવરમાં ત્રણ વાઈડ બોલ નાંખ્યાં હતાં. જેનાં કારણે કોહલીનો સદી તરફનો માર્ગ થોડો મુશ્કેલ બન્યો. આ દરમિયાન એક પ્રસંગ એવો પણ હતો કે જ્યારે અક્ષરે એક રન લીધો કારણ કે તે ઈચ્છતો હતો કે કોહલી તેની સદી પુરી કરે.
ભારતનાં મિડલ ઓર્ડરના બેટસમેન શ્રેયસ અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે છ વિકેટે મળેલી જીતને ’સ્વીટ’ ગણાવી હતી. કારણ કે તેનાં મતે તે એક સ્પર્ધાત્મક ટીમ સામે આવી હતી અને તેનાં વિશે ઘણું ’દબાણ’ હતું.
તેમણે કહ્યું કે “હું પાકિસ્તાનમાં એટલી મેચો રમ્યો નથી, તેથી મને ખબર નથી કે તે કેવો અનુભવ થાય છે. પરંતુ તે બંને ટીમો માટે એક પડકાર હતો. પાકિસ્તાન સામેની કોઈપણ જીત મીઠી હોય છે કારણ કે મેચ હંમેશાં સ્પર્ધાત્મક હોય છે. તેમણે કહ્યું કે “આ એક મોટો પડકાર છે કારણ કે ત્યાં બાહ્ય દબાણ પણ ઘણું છે. પાકિસ્તાન સામેની આ મારી ત્રીજી મેચ હતી.
ભારતીય સ્પિનર કુલદીપ યાદવને લાગે છે કે ઈજામાંથી પરત ફર્યા બાદ તેણે પોતાની લય પાછી મેળવી લીધી છે. કુલદીપે રવિવારે પાકિસ્તાન સામે ડેથ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેમણે કહ્યું કે “ઈજાઓને રૂઝ આવતાં છ મહિના લાગે છે. હું ઇંગ્લેન્ડ સામે બે મેચ રમ્યો હતો. મારી તેમાં સારી લય હતી.
બાંગ્લાદેશ સામે મારી લય પણ સારી હતી. “જ્યારે મેં મારી પ્રથમ ઓવર ફેંકી, ત્યારે મેં વિચાર્યું કે હું વધુ સારી લયમાં છું. હું આરામદાયક સ્થિતિમાં છું. મને લાગે છે કે હું આના કરતાં પણ સારી બોલિંગ કરી શકું છું. હું જેટલી વધુ મેચો રમું છું, તેટલી જ સારી બોલિંગ કરીશ.