Mumbai,તા.17
આગામી IPL 2025માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન કોણ હશે? તેને લઈને ફ્રેન્ચાઇઝી દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રિષભ પંતના ગયા બાદ ટીમ નવા કેપ્ટનની શોધમાં છે. દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ સાથે કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અભિષેક પોરેલને રિટેન કર્યા હતા. IPL 2025ના મેગા ઓકશનમાં ફ્રેન્ચાઇઝીએ KL રાહુલ અને ફાફ ડુ પ્લેસિસ જેવા અનુભવી ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કર્યો હતો. રાહુલે ગત સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્ત્વ કર્યું હતું. જ્યારે ફાફ ડુ પ્લેસિસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નેતૃત્ત્વ કર્યું હતું. પરંતુ દિલ્હી આ બંનેને અવગણીને અક્ષર પટેલને કેપ્ટન બનાવવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
અક્ષર પટેલ બની શકે છે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી કેપિટલ્સના ટોચના મેનેજમેન્ટના એક સૂત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અક્ષર પટેલ આ વર્ષે દિલ્હીનું નેતૃત્ત્વ કરશે. અક્ષર પટેલ વર્ષ 2019થી દિલ્હી ટીમ માટે રમી રહ્યો છે અને તે રિષભ પંતની ગેરહાજરીમાં ઘણી વખત ટીમનું નેતૃત્ત્વ કરતો જોવા મળ્યો હતો. અક્ષર પટેલની કેપ્ટનશીપનો અર્થ એ છે કે કેએલ રાહુલ વિકેટકીપર અને બેટર તરીકે ટીમમાં રહેશે.
ઇંગ્લેન્ડ સામેની T20 સીરિઝ માટે ટીમનો વાઈસ-કેપ્ટન
અગાઉ દિલ્હી કેપિટલ્સના કો-ઓનર પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે, ‘કેપ્ટનશીપ વિશે વાત કરવી હજુ ઉતાવળ ગણાશે. અક્ષર પટેલ લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી સાથે છે અને ગયા સિઝનમાં તે ટીમનો વાઈસ-કેપ્ટન હતો. તેથી અમને ખબર નથી કે તે અક્ષર હશે કે બીજું કોઈ.’ ઇંગ્લેન્ડ સામેની આગામી 5 મેચની T20 સીરિઝ માટે અક્ષર પટેલને ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.