New Delhi તા.5
ચેમ્પીયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટના સેમીફાઈનલમાં ભારતના હાથે પછડાટ ખાધા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે અચાનક વન-ડેમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે. જો કે, ટેસ્ટ મેચ તથા ટી20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે.
નોંધનીય છે કે, ઈજાગ્રસ્ત પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની કેપ્ટનશીપ સાંભળી હતી. સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયન ટીમને સેમી ફાઈનલ સુધી પહોંચાડી હતી.
સેમીફાઈનલમાં ટીમની ભારત સામે હાર થઇ, સ્મિથે ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી સૌથી વધુ 73 બનાવ્યા હતાં. હવે તેણે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે, તે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતો રહશે.
દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે સાથી ખેલાડીઓને નિવૃત્તિ અંગેના નિર્ણયની જાણ કરતા કહ્યું કે, ODI માંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અનુસાર, સ્મિથ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો રહેશે. તે લોસ એન્જલસમાં વર્ષ 2028 માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભાગ લઇ શકે છે.
સ્મિથે કહ્યું, આ એક શાનદાર સફર રહી છે અને મેં દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. આ સફરમાં ઘણી બધી અદ્ભુત ક્ષણો અને મહાન યાદો રહી છે. બે વર્લ્ડ કપ જીતવું એ એક શાનદાર સિદ્ધિ હતી, આ સફરમાં સાથે ઘણા મહાન સાથી ખેલાડીઓ પણ હતા.
હવે સાથે ખેલાડીઓ માટે 2027 ODI વર્લ્ડ કપ માટે તૈયારી શરૂ કરવાની એક શ્રેષ્ઠ તક છે, તેથી એવું લાગે છે કે હવે મારા માટે આ રમત છોડી દેવાનો યોગ્ય સમય છે.
તેણે લખ્યું કે, ટેસ્ટ ક્રિકેટ હજુ પણ પ્રાથમિકતા છે અને હું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, શિયાળામાં વેસ્ટ ઇન્ડીઝ અને પછી ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે રમવા માટે આતુર છું. મને લાગે છે કે મારી પાસે હજુ પણ તે ટેસ્ટમાં ઘણું યોગદાન આપવાનું બાકી છે.
સ્મિથે 19 ફેબ્રુઆરી, 2010 ના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ODI માં ડેબ્યૂ કર્યું હતું. આ 15 વર્ષોમાં તેણે ઘણી સિદ્ધિઓ મેળવી છે. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં બેટિંગ કરી ન હતી કારણ કે તે સમયે તેને સ્પિનર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. એ મેચમાં તેણે બે વિકેટ લીધી હતી.
લેફ્ટ હેન્ડ બેટર સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે 169 વનડે મેચ રમી છે. આ મેચોની 153 ઇનિંગ્સમાં તેણે કુલ 5,787 રન બનાવ્યા, તેનો બેસ્ટ સ્કોર 164 રહ્યો. આ ફોર્મેટમાં તેની એવરેજ 43.06 રહી, જ્યારે સ્ટ્રાઈક રેટ 87.13 ના રહી. તેણે ODI માં 12 સદી અને 34 અડધી સદીનો ફટકારી છે. તે 20 વખત નોટ આઉટ રહ્યો. તેણે ODI ક્રિકેટમાં 517 ચોગ્ગા અને 57 છગ્ગા ફટકાર્યા છે.