નિ:સંતાન મહિલાએ પારિવારીક ઝઘડામા આંગણવાડીમાંથી માસુમને ઘરે લઈ જઈ ગળેટુંપો આપી લાશ કચરાના ડબ્બામાં ફેંકી દીધી હતી
Rajkot,તા.28
રાજકોટમાં પાંચ વર્ષ પૂર્વે પારિવારીક ખટપટમાં નિસંતાન મહિલાએ આંગણવાડીમાંથી જેઠાણીના ત્રણ વર્ષના પુત્રને ઘરે લઈ જઈ ગળેટુંપો આપી હત્યા કરી હતી. અને મૃતક બાળકના મૃતદેહને કચરા પેટીમાં નાખી દીધું હતું. જે ચકચારી ભત્રીજાના અપહરણ અને મર્ડર કેસમાં સંડોવાયેલી કાકીને અદાલતે આજીવન કેદની સજા અને રૂા. 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતા કમલેશભાઈ વલ્લભભાઈ ડોબરિયાને ત્રણ વર્ષનો પુત્ર ખુશાલ ડોબરિયા પ્રણામી ચોક પાસે આવેલી આંગણવાડીમાં ગયો હતો ત્યારે કોઠારિયા મેઈન રોડ ઉપર નાલોદા નગરમાં રહેતી કમલેશભાઈ ડોબરિયાના નાનાભાઈની પત્ની પારુલબેન ઉર્ફે હક્કીબેન અલ્પેશભાઈ ડોબરિયા પોતે નિસંતાન હોય અને પારિવારીક ખટપટ ચાલતી હોય જેનો ખાર રાખી પ્રણામી ચોક પાસે આવેલી આંગણવાડી ખાતે પહોંચી હતી અને જ્યાં આંગણવાડીમાં હાજર કર્મચારીને ખુશાલના ભાભુ તરીકેની ઓળખ આપી મનેશ્ર્વર મંદિરે દર્શન કરવા લઈ જવાનું ખુશાલ ડોબરિયાને પોતાના ઘરે લઈ ગઈહતી અને જયાં તેણીએ પોતાના માથે બાંધેલ રૂમાલ વડે ત્રમ વર્ષના ભત્રીજા ખુશાલ ડોબરિયાને ગળેટુપો દઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. અને માસુમની લાશને કોથળીમાં નાખી 80 ફૂટ રોડ ઉપર સીતારામ સોસાયટી મેઈન રોડ પર આવેલ સબસ્ટેશનની પેટી પાસે ફેંકી દીધી હતી. જે અંગે મૃતક ખુશાલ ડોબરિયાના પિતા કમલેશભાઈ ડોબરિયાએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ મથકના તત્કાલીન પી.આઈ. વી.કે. ગઢવી અને રાઈટર નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ગુનાનો ભેદ ઉકેલી ત્રણ વર્ષના ભત્રીજાને મોતને ઘાટ ઉતારનાર કાકી પારુલબેન ઉર્ફે હકીબેન અલ્પેશભાઈ ડોબરિયાની ધરપકડ કરી જેલહવાલે કરી હતી. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા આંગણવાડીના કર્મચારી મેડીકલ ઓફિસર અને તપાસ અધિકારીની જુબાની તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ત્રણ વર્ષના ભત્રીજાનું આંગણવાડીથી અપહરણ કરી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલી કાકીને આજીવન કેદની સજા અને રૂા. 10 હજારનો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સ્મીતાબેન અત્રી રોકાયા હતાં.