Rajkot. તા.27
રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં ચોરીનો પ્રયાસનો બનાવ સામે આવતાં જૈન અગ્રણીઓ સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો. મોડી રાત્રીના મુખ્ય દરવાજો ટપી અંદર પ્રવેશેલ તસ્કરે ભંડારાની રોકડ રકમ ઉઠાવી નાસી છૂટતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં આજે સવારે જૈન શ્રેષ્ઠીઓ પૂજા માટે ગયાં હતાં ત્યારે મંદિરમાં ખુલ્લામાં રહેલ સ્ટીલના ભંડારા (દાન પેટી) માં રહેતી દાનની રોકડ રકમ ગાયબ હતી.
જેથી પૂજા કરવાં આવેલ લોકોએ દેરાસરના મેનેજમેન્ટને જાણ કરતાં અગ્રણીઓ દોડી આવ્યાં હતાં અને રાતના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં મોડી રાતના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં એક શખ્સ દેરાસરનો મુખ્ય દરવાજો ઠેકી અંદર પ્રવેશ્યો હતો અને આસપાસમાં નજર કર્યા બાદ મંદિરના ગર્ભગૃહમાં ખુલ્લામાં રહેતાં ભંડારામાં રહેતાં રોકડ આશરે ચારેક હજારની રોકડ ચોરી કરી ત્યાંથી નાસી છુટ્તો નજરે પડ્યો હતો. જે અંગેની તપાસ હાથ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પણ સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો.