Morbi,તા.05
ધોકા, પાઈપ અને ધારિયા જેવા હથિયાર વડે પોલીસ ટીમ પર હુમલો
છ પોલીસ કર્મચારી ઘાયલ, પોલીસ ઇન્સ્પેકટર પર હુમલાનો પ્રયાસ
માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામે દારૂના ધંધાર્થીના ઘરે રેડ કરવા ગયેલ પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં છ જેટલા પોલીસ કર્મચારીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે બનાવને પગલે પોલીસ્નઉં કાફલો ખીરઈ ગામમાં ખડકી દેવામાં આવ્યો છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે
માળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા ફતેસિંહ ધીરૂભા પરમારે આરોપીઓ ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર, હાજી ઓસમાણ, યુસુફ અલ્લારખા, સારબાઈ હાજી મોવર, નશીમબેન અલ્લારખા સંઘવાણી, મુમતાજ અનવર ભટી, આઈસા રફીક મોવર, નજમા ઇકબાલ મોવર, અનીષા ઇકબાલ મોવર અને તમના યુસુફ સંઘવાણી રહે બધા જૂની ખીરઈ તા. માળિયા વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર કુખ્યાત ગુનેગાર હોય જેના ઘરે પ્રોહીબીશન રેડ કરવા માળિયા પોલીસ ટીમ ગઈ હતી જ્યાંથી દારૂ મળી આવતા રેડ કરી આરોપીને ઝડપી લીધો હતો અને આરોપીને લઈને જતી વેળાએ મહિલાઓ સહિતના આરોપીઓએ એકસંપ કરી પોલીસની કાયદેસર કાર્યવાહીમાં રૂકાવટ કરી બીભત્સ ગાળો આપી છરી, લાકડાના ધોકા અને પાઈપ જેવા હથિયાર સાથે પોલીસ ટીમ પર હુમલો કરી દીધો હતો જેમાં ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ સહીત છને ગંભીર ઈજા પહોંચી હતી તેમજ મનુષ્યવધ કરવાની કોશિશ કરી છુટા પથ્થરના ઘા કરી વાહનના આગળ પાછળના કાચ તોડી આશરે ૧૦ હજારનું નુકશાન કર્યું હતું અને આરોપી યુસુફ સફેદ કલરની ફોર્ચ્યુનર કાર લઈને નાસી ગયો હતો માળિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટીંગ, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
માળિયા પોલીસ મથકના છ પોલીસ કર્મચારીને ઈજા
રેડ કરવા ગયેલ વનરાજસિંહ બાબરિયા, ફતેસિંહ પરમાર, ઉપેન્દ્રસિંહ પરમાર, મોહસીન સીદી, મોમાંભાઈ રબારી અને જયપાલસિંહ ઝાલા એમ છ કર્મચારીઓને ઈજા પહોંચી હતી જે ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખસેડાયા હતા તેમજ પોલીસ ઇન્સ્પેકટર ગોહિલ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેનો સદનસીબે બચાવ થયો હતો
પોલીસ કાફલો ખડકી દેવાયો, કોમ્બિંગમાં હથીયારો મળી આવ્યા
બનાવને પગલે મોરબી એલસીબી, એસઓજી સહિતની ટીમો ખીરઈ ગામ દોડી ગઈ હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દીધો હતો ડીવાયએસપી પણ સ્થળે પહોંચ્યા હતા પોલીસે કોમ્બિંગ હાથ ધરતા છરી, તલવાર અને ધોકા સહિતના હથિયારો કબજે લેવામાં સફળતા મળી હતી તે ઉપરાંત ગોળના ડબ્બા, 4 બાઈક સહિતનો મુદામાલ પણ પોલીસે કબજે લીધો છે
ડીવાયએસપી સારડાએ બનાવ અંગે આપી માહિતી
બનાવ અંગે ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે આરોપી ઇકબાલ કુખ્યાત ગુનેગાર છે જેના વિરુદ્ધ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે જેના ઘરે પોલીસ ટીમ રેડ કરવા ગઈ હતી અને આરોપીને પકડી લઇ જવાતો હતો ત્યારે મહિલાઓ સહિતના ટોળાએ હથિયારો સાથે હુમલો કરી દીધો હતો જેમાં પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે તેમજ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો હાલ પોલીસ ટીમે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે