Gujarat,તા.30
ગુજરાત પર મેઘ તાંડવના કારણે જાણી માઠી બેઠી હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. એક તરફ જ્યાં ડીપ ડિપ્રેશનના કારણે સતત અવિરત વરસાદના કારણે અનેક જિલ્લામાં પૂર આવ્યું છે ત્યાં હવે અસના નામનું વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠે ત્રાટકી શકે છે. કેન્દ્રીય હવામાન ખાતા દ્વારા લોકોને ઍલર્ટ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
અસના વાવાઝોડાનો ખતરો
છેલ્લા ચાર દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ગુજરાતમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરના કારણે લોકો ઘરવખરી છોડવા મજબૂર બન્યા છે. NDRF અને વાયુસેના દ્વારા સતત પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં કુદરતનો ડબલ ઍટેક?
હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદના કારણે શાળા કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. એવામાં અરબ સાગરમાં અસના નામક વાવાઝોડાના કારણે ચિંતા વધી છે.
હવામાન વિભાગે શું કહ્યું?
મોસમ વિભાગ દ્વારા આશંકા દર્શાવવામાં આવી છે કે અસના વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે લેન્ડફોલ કરી શકે છે. કચ્છના માંડવી તાલુકામાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે. ભારે પવન સાથે અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
78 વર્ષ બાદ આવી ગંભીર સ્થિતિ
નોંધનીય છે કે કચ્છમાં સામાન્ય રીતે 499 મિલિમિટર વરસાદ થાય છે પણ આ વર્ષે અત્યાર સુધીમાં 800 મિલિમિટર વરસાદ વરસી ચૂક્યો છે. આટલું જ નહીં 1946 બાદ પહેલીવાર ઓગસ્ટ મહિનામાં વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રાટકી શકે છે. એવામાં હવામાન વિભાગનું માનવું છે કે આ અત્યંત ગંભીર વિષય છે. અસના વાવાઝોડું વિકરાળ રૂપ ધારણ કરે તો પરિસ્થિતિ અત્યંત ભયજનક થઈ શકે છે.
ગુજરાત પર ખતરો નહીં: પરેશ ગોસ્વામી
જોકે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવી રહ્યા છે કે અસના વાવાઝોડું નબળું પડી જશે અને ગુજરાત પર ગંભીર અસર થશે નહીં. પરેશ ગોસ્વામી અનુસાર ગુજરાતનાં લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વાવાઝોડું છથી દસ કલાકમાં નબળું પડીને વિખેરાઇ જશે અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે.