Unjha,તા,11
ઊંઝા એપીએમસીમાં ટર્મ પુરી થતાં હાલ વહિવટદારનું શાસન છે. ત્યારે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં ચૂંટણી કરવાનું સ્વીકારતા આગામી 20 સપ્ટેમ્બર 2024 સુધી જાહેરનામું બહાર પડશે.
90 દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે
જાહેરનામું બહાર પડાયા બાદ 90 દિવસમાં માર્કેટયાર્ડની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે. ઊંઝા એપીએમસીમાં ચેરમેન સહિતની ટર્મ પુરી થતાં આખરે વિવાદ વચ્ચે વહિવટદારની નિમણૂક કરવામાં આવી છે. ઉનાવા એપીએમસીની ચૂંટણી સંપન્ન થયા બાદ ઊંઝામાં પણ વહેલી તકે ચૂંટણી થાય તેવી શક્યતાઓ પ્રબળ બની હતી.
હાઈકોર્ટમાં થઈ હતી પિટિશન
ઊંઝા એપીએમસીની ચૂંટણી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન થઈ હતી. હાઇકોર્ટમાં કરવામાં આવેલી પિટિશન હેઠળ મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજદારોને સાંભળવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય સરકારે હાઇકોર્ટમાં ચૂંટણી કરવાનું સ્વીકાર્યું હતું. જેને લઇ આગામી 20 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. આગામી 90 દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. ઉઝા એપીએમસીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.
દિગ્ગજ નેતાઓની તાડામાર તૈયારીઓ
એશિયાના સૌથી મોટા ઉંઝા એપીએમસીમાં ચૂંટણીની જાહેરાત સાથે જ સ્થાનિક નેતાઓ દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 28 ઓક્ટોબરના રોજ મતદાર યાદીનું અંતિમ પ્રકાશન રજૂ થશે. 27 નવેમ્બરે ફોર્મ ભરાવવાના શરૂ થયા બાદ 2 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની સત્તા રહેશે. 10 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે.