Mumbai,તા.20
ભારતીય ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ચેન્નાઇમાં આવેલા પોતાના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં મોટી કમાલ કરી બતાવી છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ સીરિઝના પહેલા મુકાબલામાં કપરી પરિસ્થિતિ વચ્ચે અશ્વિને તેના કરિયરની છઠ્ઠી સદી ફટકારી એમએસ ધોની સાથે સરખામણી કરી છે. આ સાથે અશ્વિન વિશ્વનો એકમાત્ર બેટર છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ ઝડપી છે. ઉપરાંત તેણે રવિન્દ્ર જાડેજા સાથે મળીને બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારત વતી સાતમી વિકેટ માટે સૌથી વધુ રનોની ભાગીદારી પણ કરી છે.
કરિયરની સૌથી ઝડપી સદી ફટકારી
બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં અશ્વિને 108 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી તેના કરિયરની સૌથી ઝડપી સદી ફટકારી છે. આ મેચમાં ભારતીય ટીમે 144 રને છ વિકેટ ગુમાવી હતી. જો કે, અશ્વિને જાડેજા સાથે મળીને ટીમનો સ્કોર 339 સુધી પહોંચાડ્યો છે. આમ બંને ખેલાડીઓ વચ્ચે સાતમી વિકેટ માટે 195 રનોની ભાગીદારી થઇ છે. જેમાં અશ્વિન 102 અને જાડેજા 86 રન બનાવી નોટ આઉટ પરત ફર્યા હતા.
વર્તમાન સમયમાં નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર
નોંધનીય છે કે, અશ્વિને 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ 117 બોલમાં સદી ફટકારી હતી. જે પછી 2021માં આ જ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 124 બોલમાં 100 રન બનાવ્યા હતા. હવે 108 બોલમાં 102 રન બનાવી બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ સદી ફટકારી છે. અશ્વિનને લોકો બોલિંગ માટે જાણે છે, પરંતુ તેણે ટેસ્ટ ક્રિકેટમાં 3400થી વધુ રન બનાવ્યા છે, જેમાં છ સદી પણ સામેલ છે. આ જ કારણ છે કે વર્તમાન સમયમાં તે નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર છે.
ભારત માટે વધુ વયે સદી ફટકારનારા ખેલાડીઓ
વિજય મર્ચન્ટઃ 40 વર્ષ 21 દિવસ (ઇંગલેન્ડ વિરૂદ્ધ, દિલ્હી ટેસ્ટ, વર્ષ 1951)
રાહુલ દ્રવિડઃ 38 વર્ષ 307 દિવસ (વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ, કોલકાતા ટેસ્ટ, વર્ષ 2011)
વીનૂ માંકડઃ 38 વર્ષ 269 દિવસ (ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ, ચેન્નાઇ ટેસ્ટ, વર્ષ 1956)
વીનૂ માંકડઃ 38 વર્ષ 234 દિવસ (ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ, મુંબઇ ટેસ્ટ, વર્ષ 1955)
આર અશ્વિનઃ 38 વર્ષ 2 દિવસ (બાંગ્લાદેશ વિરૂદ્ધ, ચેન્નાઇ ટેસ્ટ, વર્ષ 2024)