Asaram ને સાત દિવસના પેરોલ મંજૂર, સારવાર માટે બહાર આવશે

Share:

આસારામની તબિયત અચાનક લથડી ગઇ હતી, તેણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરતાં જેલના અધિકારીઓએ તેને જોધપુર એઇમ્સ  હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ બાદ દાખલ કરાયો

Rajasthan, તા.૧૩

દુષ્કર્મ કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે સારવાર માટે આસારામના ૭ દિવસના પેરોલ મંજૂર કર્યા છે. હકિકતમાં, જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામની તબિયત અચાનક લથડી હતી. જે બાદ રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની બેન્ચે તેને પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જવા વચગાળાના પેરોલની મંજૂરી આપી છે.

નોંધનીય છે કે, આસારામની તબિયત અચાનક લથડી ગઇ હતી, તેણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરતાં જેલના અધિકારીઓએ તેને જોધપુર એઇમ્સ  હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ બાદ દાખલ કરાયો હતો. આસારામની તબિયત ખરાબ થવાના સમાચાર સાંભળતા જ એઇમ્સ હોસ્પિટલ બહાર તેના સમર્થકોની ભીડ જામી હતી. આસારામને ૨૦૧૮માં જોધપુરની વિશેષ કોર્ટે તરૂણ બાળકી સાથે દુષ્કર્મ કરવા બદલ આજીવન જેલીની સજા સંભળાવી હતી.આસારામ ૨ સપ્ટેમ્બર ૨૦૧૩થી જેલમાં બંધ છે. પીડિતાએ તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ની રાતે આસારેમે તેના જોધપુર પાસેના આશ્રમમાં બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પાંચ વર્ષોથી વધુ સમય ચાલેલી સુનાવણી બાદ પોક્સો અદાલતે આસારામને દોષિત ઠરાવી આજીવન જેલની સજા આપી હતી. પાછલા વર્ષે ગુજરાતની પણ એક કોર્ટે આસારામને ૨૦૧૩માં તેના સુરત આશ્રમમાં મહિલા અનુયાયી સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં દોષિત ઠરાવ્યો હતો.

અગાઉ પણ ૮૫ વર્ષીય આસારામે માંદગીનો હવાલો આપી ઘણી વાર પેરોલની માંગ કરી હતી. ગત ૨૦ જૂને પણ તેણે કોર્ટ પાસે ૨૦ દિવસના પેરોલની માંગ કરી હતી, પરંતુ ત્યારે પેરોલ કમિટિએ તેને રાહત આપી નહોતી. જે બાદ આસારામે માંદગીનું કારણ આપી તેની સજા સસ્પેન્ડ કરવા રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે, હાઇકોર્ટે પણ તેની અરજી રદ કરી હતી. ત્યાર બાદ આસારામે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદા પર હસ્તક્ષેપ કરવાની મનાઇ કરી હતી અને સારવારની મંજૂરી માગવા રાજસ્થાન હાઇકોર્ટમાં પુનઃઅરજી કરવા જણાવ્યું હતું.

નોંધનીય છે કે, આસારામનો પુત્ર નારાયણ સાંઇ પણ દુષ્કર્મ કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહ્યો છે. સુરતની એક મહિલાએ તેના પર ૨૦૦૨થી ૨૦૦૫ વચ્ચે યૌન શોષણ અને વારંવાર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. જે બાદ સુરતની એક કોર્ટે ૨૬ એપ્રીલ ૨૦૧૯ના રોજ તેને દુષ્કર્મ, અપ્રાકૃતિક યૌન સંબંધ અને પીડિતાને ધમકાવવા બદલ આજીવન જેલની સજા આપી હતી.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *