Mumbai,તા.01
બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી અરુણા ઈરાની તેના અભિનય માટે જાણીતા છે. તેમણે ફિલ્મોમાં નેગેટીવ પત્ર ભજવીને લોકોના દિલ જીત્યા છે. નેગેટિવ રોલમાં જોવા મળતા અરુણા ઈરાની ભલે હવે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમને કોઈ ભૂલી શક્યું નથી. હાલમાં જ અરુણા ઈરાની બેંગકોકમાં એક અકસ્માતનો શિકાર બન્યા છે. હાલમાં તેઓ ભારત પરત ફર્યા છે અને મુંબઈ પરત ફર્યા બાદ તેઓ આરામ કરી રહ્યા છે.
80 વર્ષીય અભિનેત્રી અરુણા ઈરાનીએ જણાવ્યું કે, ‘હું બેંગકોકમાં ખરીદી કરવા ગઈ હતી અને ત્યાં પહોંચ્યાના બે દિવસ બાદ જ મારું એકસીડન્ટ થયું હતું. હું રસ્તા પર ચાલતી વખતે લપસી ગઈ હતી, પરંતુ સદભાગ્યે મને તાત્કાલિક તબીબી સહાય મળી ગઈ હતી. પરંતુ ઈજાના કારણે મારે 2 અઠવાડિયા બેંગકોકમાં આરામ કરવો પડ્યો હતો.’
ત્યારબાદ હવે જયારે અભિનેત્રી ભારત આવી છે ત્યારે મુંબઈ પરત ફરતા જ તેમને વાયરલ ઇન્ફેકશન થઇ ગયું હવે, જેમાંથી પણ તેઓ સાજા થઇ રહ્યા છે.
અરુણા ઈરાનીએ કહ્યું, ‘આટલી મસ્તી કરું તો આવું થવાનું જ છે ને. પરંતુ અહીંથી મારી પરેશાની ખતમ નથી થઇ, મુંબઈ આવતાની સાથે જ મને વાયરલ
ઈન્ફેક્શન થઈ ગયું જેના કારણે મારી તકલીફો વધી ગઈ. મારી બેંગકોકની ટ્રીપ માત્ર મસ્તી કરવા માટે હતી. હું માત્ર એટલા માટે જ ગઈ હતી કે રિલેક્સ કરી શકું અને શોપિંગ કરી શકું. પરંતુ ત્યાં મોજ મસ્તી કરવાના બદલે મેડીકલ ખર્ચનો સામનો કરવો પડ્યો. આથી આ સફર મારી અપેક્ષા કરતા વધુ ખર્ચાળ સાબિત થઇ છે.’
જ્યારે ફેન્સને અરુણા ઈરાનીની તબિયત વિશે ખબર પડી ત્યારે સોશિયલ મીડિયા પર તેમના વિશે લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી. જ્યાં ઘણા લોકોએ અરુણા ઈરાનીના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી, ત્યાં ઘણા લોકો એવા પણ હતા જેમણે બોલિવૂડમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અરુણા ઈરાની ટૂંક સમયમાં જ ગુજરાતી સિનેમા દ્વારા કમબેક કરવા જઈ રહ્યા છે. તેમની આગામી ફિલ્મ ‘જલસો’ હશે જેનું દિગ્દર્શન રાજીવ એસ રુઈયા કરી રહ્યા છે અને તેમાં હિતેન તેજવાણી મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.