Artificial Intelligence (AI) Chatbot

Share:

ChatGPT કે DeepSeek જેવા કોઈ પણ Artificial Intelligence (AI) Chatbot સાથે આપણે વાતચીત કરીએ ત્યારે પહેલી નજરે આપણને એવું લાગે કે ChatGPT આપણી વાતચીત બરાબર તો ઠીક, ગજબની સમજદારી સાથે સમજે છે અને એ મુજબ એ આપણા સવાલોના જવાબ આપે છે કે અન્ય રીતે પ્રતિભાવ આપે છે.

હકીકત એ છે કે Chatbot માટે આપણે આપેલા બધા Input એક અર્થમાં કાળા અક્ષર ભેંસ બરાબર હોય છે. તેને આપણે જે કંઈ પૂછીએ તેનો અર્થ કે મર્મ આપણે જે રીતે સમજીએ છીએ તે રીતે તેને બિલકુલ સમજાતો નથી. Chatbot માત્ર આપણે લખેલા કે કહેલા શબ્દોનો પોતાની memory કે Database માં રહેલા શબ્દો સાથે ગાણિતિક રીતે તાળો બેસાડે છે. ફક્ત આ રીતે તે આપણે શું કહી રહ્યા છીએ તે જાણે છે અને તેને જ આધારે, આપણે જે પૂછ્યું હોય તેના સંભવિત જવાબો શોધે છે અને આપણને આપે છે. આ બધું નકરી સંભાવનાઓના કોરાકટ ગણિતને આધારે થાય છે.

આપણે વાતચીત કરતી વખતે જુદી જુદી લાગણી કે સંવેદના અનુભવીએ છીએ, જ્યારે એઆઇ Chatbot ભગવદ ગીતામાં વર્ણવેલા સ્થિતપ્રજ્ઞ જેવો કે કહો કે જડભરત જેવો રહે છે. તેને કશું પણ સમજાતું નથી કે તે કશું અનુભવતો નથી!

મજા એ છે કે આપણે Chatbot સાથે કોઈ પણ લાગણીમાં તરબોળ થઈને વાતચીત કરીએ ત્યારે એ પણ સામો લગભગ એ જ રીતે પ્રતિસાદ આપી શકે છે. આપણે કોઈ જીવતીજાગતી, સમજદાર વ્યક્તિ સાથે સાથે વાત કરી રહ્યા હોઈએ એવો જ અનુભવ એ આપી શકે છે. કારણ એટલું છે કે તેની ટ્રેનિંગ એટલી પાવરફુલ છે! જોકે હવે Chatbotની ટેકનોલોજી ઘણી ઝડપથી આગળ વધી રહી છે. એટલે થોડા સમયમાં એ આપણે કહેલી વાતો ખરા અર્થમાં સમજે એવું પણ બની શકશે.

નવા સમયમાં AIને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ગણીને, લાગણીમાં ઓળઘોળ થઈને તેની સાથે કલાકો સુધી ગપાટા મારવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, પણ એ જોખમી બની શકે છે – એઆઇને કશું સમજાતું નથી, પણ બધું યાદ બરાબર રહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *