Rajkot. તા.7
રાજકોટના નિવૃત્ત આર્મીમેન સહિત સૈન્ય જવાનો સાથે રૂ.1.36 કરોડની છેતરપીંડી થયાનું સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. પુણેના કમાન્ડર લેફટનન્ટ કર્નલ ધનાજીરાવ પાટીલે રાજકોટના મવડીમાં રહેતાં આર્મીમેનને નિવૃત્તિના પૈસા સારી જગ્યાએ રોકાણ કરી મહિને 8 ટકા વ્યાજ આપશે કહીં ફસાવ્યા, કુલ રૂ.41 લાખમાંથી 17 લાખ પરત કર્યા અને રૂ.12.60 લાખનો પ્લોટ લખી આપ્યો હતો અને બાદમાં બાકી નીકળતા રૂ.11.40 લાખનું બુચ મારી દિધું હતું. તેમજ અન્ય સૈન્ય જવાન અને અધિકારીઓ સાથે પણ છેતરપીંડી કર્યાનું સામે આવતા આરોપીને ડિસમીસ કરાયો હતો. જે મામલે રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે મવડી માં બાલાજી હોલ પાસે ડ્રિમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં હિતેશકુમાર વ્રજલાલ મુંગરા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધાનજીરાવ સિવાજીરાવ પાટીલ (રહે. પુણે, મહારાષ્ટ્ર) નું નામ આપતાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2003 માં ભારતીય સેનામાં ભરતી થયેલ અને વર્ષ 2020 માં ભારતીય સેનામાંથી નિવૃત થયેલ છે. તેઓ હાલ નિવૃત જીવન ગાળે છે. ડીફેન્સમાં છેલ્લુ પોસ્ટીંગ નાસીક ખાતે હતુ અને ત્યાં કંપની કમાન્ડર લેફટનન્ટ કર્નલ ધનાજીરાવ સીવાજીરાવ પાટીલ હોવાથી તેમને ઓળખતાં હતાં.
તેઓ નાસિકથી ગત તા.31/03/2020 ના નિવૃત થઇ મે-2020 મા રાજકોટ આવી ગયેલ અને જુલાઇ 2020 માં લેફ્ટેનન્ટ કર્નલ ધાનાજીરાવ પાટીલનો ફોન આવેલ કે, તમારી રીટાયરર્મેન્ટ પછી જે પૈસા આવવાના છે તે પૈસા તુ મને આપ જે પૈસા હું સારી જગ્યાએ રોકાણ કરીશ અને દર મહીને 08 ટકા જેટલુ વળતર 30 મહિના સુધી આપીશ અને દર ત્રણ મહીને અમુક ટકા રકમ પણ તમને પરત આપતો જઇશ.
જેથી તેઓએ પ્રથમ અસહમતિ દર્શાવેલ ત્યારબાદ અવાર-નવાર આરોપીના ફોન આવતા રહેતા અને તે સેનામાં લેફ્ટનન્ટ કર્નલ હોય અને તેની સાથે બે વર્ષ જેટલી નોકરી કરેલ હોય જેથી વિશ્વાસ આવી જતા ગત તા. 15/09/2020 ના નાનામવા ખાતે આવેલ બેંકમાંથી રૂ.7.50 લાખ તેના એકાઉન્ટમાં જમા કરાવેલ હતા.
ત્યારબાદ અન્ય રકમ ફરીયાદીએ સાઢુભાઇ અમિતભાઇ દુધાત્રાના બેંક એકાઉન્ટમાંથી રૂ.3 લાખ ચેક દ્વારા ધનાજીરાવના બેંક ખાતામાં જમા કરાવેલ હતાં. ત્યારબાદ ફરીવાર રૂ. 9.50 લાખ અને રૂ.5 લાખ ધનાજીરાવના બેંક ખાતામા જમા કરાવેલ હતાં. તેમજ ગત તા.15/10/2020 ના ફોન પે મારફત રૂ.1 લાખ ધનાજીરાવને ટ્રાન્સફર કરેલ હતાં.
ઉપરાંત તા.01/11/2020 ના ધનાજીરાવે બેંગ્લોર નજીક આવેલ તુમકુર ખાતે આવેલ તેમની પાટીલ ક્ધસ્ટલન્સીમાં નોકરી કરવા માટેની ઓફર આપેલ હતી. જેથી ફરિયાદી ત્યાં નોકરી કરવા માટે ગયેલ ત્યારે ત્યાં રૂ. 35 હજાર પગારની ઓફર કરેલ હતી. બાદમાં બેંગ્લોર નજીક આવેલ તુમકુર ખાતે તેમની કંપનીમાં એપ્રીલ 2022 સુધી નોકરી કરેલ તે દરમ્યાન ગત તા.01/12/2020 ના ધનાજીરાવ મળવા માટે તુમકુર (બેગ્લોર) આવેલ ત્યારે લેવાના નીકળતા પૈસા માંગતા તેણે પૈસા પરત આપવાની બાહેધરી આપેલ હતી.
ત્યારબાદ રૂ.3 લાખ, બાદમાં રૂ.1 લાખ ફરીવાર રૂ.1 લાખ તેના એકાઉન્ટમાં જમા કરેલ હતા. ત્યારબાદ ગત તા.05/12/2020 ના ફરીવાર તેઓએ રૂ. 4.50 લાખ ધનાજીરાવના બેંક ખાતામા જમા કરાવેલ હતાં. જે મળી કુલ રૂ. 38 લાખ જમા કરાવેલ હતા. ગત તા-13/01/2021 ના લ ધનાજીરાવનો દીકરો નરેન પાટીલ મળવા માટે ત્યાં બેગ્લોર કંપની ખાતે આવેલ અને ત્યારે નરેન પાટીલને પણ મારા બાકી લેવાના નીકળતા પૈસા બાબતે વાત કરતા તેણે પણ પૈસા પરત આપી દેવાની બાહેંધરી આપેલ હતી.
બાદમાં તેઓને પૈસાની જરૂર પડતા પૈસા પરત માંગતા આ ધનાજીરાવે જુન-2021 માં રૂ.17 લાખ પરત આપેલા હતા. ત્યારબાદ બાકી નીકળતા રૂ. 21 લાખ પરત માંગતા ધનાજીરાવે કહેલ કે, મારે મારી દીકરીને વિદેશ મોકલવાની છે અને હાલ મારી પાસે પૈસા નથી અને તમે મને રૂ.3 લાખ આપો જે તમને હું થોડા સમયમાં કુલ રૂ. 24 લાખ પરત આપી દઇશ જેથી તેમના પર વીશ્વાસ મુકી ફરીવાર રૂ.3 લાખ આપેલ હતા.
તેમજ ફરીયાદીએ આપેલ રૂપીયાનું ધનાજીરાવ સાથે કોઇ લેખીતમાં લખાણ કરાવેલ ન હોય જેથી લેખીત લખાણ કરવાનું કહેતા તેઓએ બેંગ્લોર ખાતે નોટરી લખાણ કરવા માટે બોલાવેલ ત્યારે તેઓની તથા અન્ય આર્મીમેન પાસે કોઈ અંગ્રેજી ભાષામાં લખાણ કરાવેલ હતુ, જેમા તેઓની સહી કરાવેલ હતી પરંતુ કયા ડોક્યુમેંટમાં સહી કરાવી તે ખબર નથી. જેથી બાદમાં કહેલ કે, તમે આ લખાણ તો કરી આપેલ છે, જેથી સાથે સીક્યુરીટી પેટે ચેક પણ આપો કહેતાં તેને ચેક બાબતે ના પાડેલ હતી.
જેથી તેમને તેના વિરુધ્ધ અમો ફરીયાદ કરીશુ તેમ કહેતાં તેને તેલંગણા ખાતેનો તેનો રૂ.12.60 લાખનો પ્લોટ ફરિયાદીના નામે કરી આપેલ હતો. ત્યારબાદ હજુ ધનાજીરાવ પાસેથી રૂ. 11.40 લાખ લેવાના બાકી નીકળતા હોય પૈસા પરત માંગતા તેઓ ગલ્લા તલ્લા કરતા હોય અને મિત્રો મારફત જાણવા મળેલ કે, ધનાજીરાવે બીજા ભારતીય સેનાના કર્મચારી-અધીકારી જેમાં હરીશચંદ જોશી સાથે રૂ.51 લાખની છેતરપીડી કરેલ છે.
તેમજ કર્નલ પ્રતાપ સાથે રૂ. 37 લાખની છેતરપીંડી કરેલ તેમજ કર્નલ બેનાલકર સાથે રૂ. 47 લાખની છેતરપીંડી કરેલ હોવાનું જાણવા મળતા આ બાબતે આર્મી હેડકવાટર દીલ્હી ખાતે ઓગસ્ટ-2022 માં ધનાજીરાવ વીરુધ્ધ ફરીયાદ કરેલ હતી જે ફરીયાદ હતી.જે સાબીત થતા તેઓને તા.19/05/2023 ના ભારતીય સેનામાંથી ડીસમીસ કરવામા આવેલ હતાં.