Mumbai,તા.20
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ટ્રેવિસ હેડે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ સીરિઝમાં 1-0થી આગળ થઇ ગઈ છે. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 316 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાએ 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યને હાંસલ કરી લીધો હતો.
આ મેચમાં ટ્રેવિસ હેડે 129 બોલમાં 154 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં તેણે 20 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. વનડેમાં આ તેનો સૌથી સર્વશ્રેષ્ઠ સ્કોર છે. તેણે માર્નસ લાબુશેન સાથે મળીને 148 રનની ભાગીદારી કરી હતી. લાબુશેને હેડનો સાથ આપતા 61 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
હેડે રમેલી આ તોફાની ઇનિંગમાં તેણે ઘણાં રેકોર્ડ બનાવ્યા અને તોડી નાખ્યા હતા. જેમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ પણ સામેલ છે. આ તોફાની ઇનિંગ હેડે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમી હતી. હેડ આ મેદાન પર ઇંગ્લેન્ડ સામે સૌથી મોટી ઇનિંગ રમનાર બેટર બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ રોહિતના નામે હતો, જેણે 2018માં આ જ મેદાન પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ 137 રન બનાવ્યા હતા. આ સિવાય હેડે ઈંગ્લેન્ડમાં રમેલી આ ઈનિંગ કોઈપણ ઓસ્ટ્રેલિયન બેટર દ્વારા રમાયેલી સર્વશ્રેષ્ઠ ઈનિંગ છે. આ પહેલા આ રેકોર્ડ શેન વોટસનના નામે હતો.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ બેન ડકેટ અને વિલ જેકસે રમેલી શાનદાર ઈનિંગ્સની મદદથી ટીમે 316 સ્કોર બનાવ્યો હતો. ડકેટે 91 બોલમાં 11 ચોગ્ગા ફટકારીને 95 રનની ઇનિંગ રમી હતી. જયારે વિલ જેક્સે 56 બોલમાં 62 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ જૈમ્પા અને લાબુશેને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ મેચમાં હેડે પણ બોલિંગ કરી બે વિકેટ લીધી. અને તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.