Canada,તા.20
કેનેડાના મોન્ટેરિયલ ખાતે રહેતા અને મૂળ ગુજરાતનાં આધેડ નરેન્દ્રભાઈનું મૃત્યુ નિપજ્યું છે. નવસારીના બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો છે. કારનો ફેન ચાલુ હતો અને કાર બરફથી ઢંકાયેલી હતી. હાલ આ ઘટના સંદર્ભે કેનેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધતાં મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે. કેનેડા સ્થિત નવસારીના નરેન્દ્રભાઈનો મૃતદેહ હાલ પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો છે જ્યાં તેમના મૃત્યુ અંગેની અન્ય વિગતો સામે આવશે પણ હાલ કેનેડા પોલીસ આ કેસ હાથમાં લઈને શોધખોળ હાથ ધરી છે. નરેન્દ્રભાઈનું શંકાસ્પદ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.
દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારી જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં સ્થાયી થયા છે. છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં ગુજરાતીઓના અકસ્માત કે હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. આ ઘટનાથી નવસારીમાં રહેતા મૃતકના પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે.