છાપી નજીક આવેલ ભરકાવાડા ગામ પાસે એક હોટલ પરથી રાજસ્થાનની બસમાંથી આંગડિયાનો થેલો લૂંટી બે લૂંટારા ફરાર
Palanpur,તા.૬
અમદાવાદ હાઇવે પર બનાસકાંઠા જિલ્લાના છાપી નજીક આવેલ ભરકાવાડા ગામ પાસે એક હોટલ પરથી રાજસ્થાનની બસમાંથી આંગડિયાનો થેલો લૂંટી બે લૂંટારા ફરાર થઈ ગયા હોવાને ઘટના સામે આવી છે. આ ઘટનામાં દોઢ કિલો સોનાના દાગીનાની લૂંટ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઘટનાના પગલે એસ.પી. અને પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
આ અંગેની ઘટના એવી છે કે, પાલનપુર-અમદાવાદ હાઈવે પર છાપી નજીક ભરકાવાડા પાસે એક હોટલ આવેલી છે. આ હોટલ પર અમદાવાદથી રાજસ્થાન જતી બસ મુસાફરોના ચા – નાસ્તા માટે ઊભી રહી હતી. દરમિયાન બાઈક ઉપર આવેલા બે લૂંટારાઓ એ બસમાં બેઠેલા આંગડિયાના કર્મચારી પાસે રહેલો થેલો લૂંટી લીધો હતો અને આ લૂંટ ની ઘટના ને અંજામ આપી બંને લૂંટારા બાઈક ઉપર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ લૂંટ ની ઘટનામાં દોઢ કિલો સોનાના દાગીના હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. લૂંટ ની બનેલી આ ઘટનાને પગલે છાપી સહિત બનાસકાંઠા એસપી અને પોલીસનો કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે બનેલા લૂંટના બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. અને લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારાઓને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. લૂંટની આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી જવા પામી છે.