આવી રહેલા ભૂકંપની ચેતવણી એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આપતી સિસ્ટમ વિશે વર્ષ ૨૦૨૩માં ટેકનોવર્લ્ડમાં આપણે વિગતવાર વાત કરી હતી. એન્ડ્રોઇડ અર્થક્વેક એલર્ટ સિસ્ટમ તરીકે ઓળખાતા આ ફીચરની ગૂગલે ૨૦૨૦માં જાહેરાત કરી હતી અને તે ભારતમાં ૨૦૨૩માં લોન્ચ થયું હતું.
હમણાં દિલ્હીમાં અનુભવાયેલા ભૂકંપ સાથે આ ફીચર ફરી ચર્ચામાં આવી ગયું છે – સારી અને ખરાબ બંને રીતે!
સામાન્ય રીતે કોઈ વિસ્તારમાં ભૂકંપ આવે ત્યારે તેના એપી સેન્ટરથી ચોતરફના અનેક કિલોમીટર સુધી ભૂકંપનો આંચકો અનુભવાતો હોય છે. ભૂકંપ આવે ત્યારે એપી સેન્ટરથી પહેલાં પી વેવ તરીકે ઓળખાતું ભૂકંપનું કંપન ચોતરફ પ્રસરે છે. ત્યાર પછી એસ વેવઆવે છે, જે વધુ વિનાશ વેરે છે.
કુદરતની આ વિશેષતાનો અેન્ડ્રોઇજડ અર્થક્વેક એલર્ટ સિસ્ટમમાં લાભ લેવામાં આવ્યો છે. એપી સેન્ટરની નજીક રહેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંનાં સેન્સર ભૂકંપ આવે એ સાથે પી વેવનું કંપન પારખી લે છે, આ ડેટા ગૂગલના ક્લાઉડમાં પહોંચે છે અને ત્યાંથી આંખના પલકારે એપી સેન્ટરથી પ્રમાણમાં દૂર રહેલા વિસ્તારોમાંના સ્માર્ટફોનમાં ભૂકંપ આવી રહ્યો હોવાનો મેસેજ ઝબકે છે. પી વેવ અને એસ વેવ વચ્ચે ગણતરીની સેકન્ડનો જ તફાવત હોય છે. પરંતુ એપી સેન્ટરથી થોડા દૂરના વિસ્તારોમાં એસ વેવ પહોંચે તેની પહેલાં બચાવના પગલાં લેવા માટે થોડી સેકન્ડ મળી જાય છે!
ખરેખર ભૂકંપની આગોતરી ચેતવણી શક્ય નથી. હજારો સ્માર્ટફોનમાંનાં સેન્સર્સનો લાભ લઇને અશક્યને શક્ય બનાવતી આ ખૂબી પણ સંપૂર્ણ સચોટ નથી. આ સિસ્ટમ ૨૦૨૦માં લોન્ચ થયા પછીના વર્ષે ફિલિપાઇન્સમાં ભૂકંપ આવ્યો ત્યારે સિસ્ટમે તેને પારખી લીધો હતો અને અનેક લોકોને આગોતરી ચેતવણી આપી હતી. ૨૦૨૩માં ટર્કીમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે ગૂગલનો દાવો હતો કે આ સિસ્ટમે બરાબર રીતે લોકોને ચેતવણી આપી પરંતુ ઘણા લોકોનું કહેવું હતું કે સિસ્ટમ એલર્ટ મોકલવામાં નિષ્ફળ રહી હતી.
જોકે હવે આ સિસ્ટમની વધુ એક નબળાઈ બહાર આવી. બન્યું એવું કે ફેબ્રુઆરી ૧૪ના રોજ,સમગ્ર બ્રાઝિલમાં સ્થાનિક સમય અનુસાર લગભગ અડધી રાત્રે ભૂકંપ આવી રહ્યો હોવાની ચેતવણી અનેક લોકોના એન્ડ્રોઇડ ફોનમાં પહોંચી. રિકટર સ્કેલ પર ૫.૫ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવી રહ્યો હોવાની ચેતવણી અનેક લોકોને મળી હતી, પરંતુ હકીકત એ હતી કે એવો કોઈ ભૂકંપ આવ્યો નહોતો!
સિસ્ટમે આવી ખોટી ચેતવણી કેમ આપી એ હવે તપાસનો વિષય બન્યો છે. ગૂગલે કહ્યું છે કે એની અર્થક્વેક એલર્ટ સિસ્ટમ કોઈ પણ દેશની સત્તાવાર એલર્ટ સિસ્ટમને રિપ્લેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી નથી, તે માત્ર એક પૂરક સિસ્ટમ છે. બ્રાઝિલમાં ગફલત થયા પછી કંપનીએ સમગ્ર બ્રાઝિલમાં આ એલર્ટ સિસ્ટમ ડિસેબલ કરી દીધી છે.