Vadodara નજીક વડસરમાંથી NDRFની ટીમે વધુ 16 લોકોને સલામત બહાર કાઢ્યા

Share:

Vadodara,તા.26

વડોદરા શહેર નજીક વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન આજ બીજા દિવસે પણ રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો દ્વારા જારી રાખવામાં આવ્યું હતું. જેમાં 16 વ્યક્તિને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ગઇકાલે ગુરૂવારે સ્થાનિક તંત્ર અને એનડીઆરએફ દ્વારા વડસરમાંથી કુલ 102 વ્યક્તિને સ્થળાંતરિત કરી આશ્રય સ્થાનમાં રાખવામાં આવી હતી. જેમના માટે કોર્પોરેશન દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુરૂવાર સુધીમાં કુલ 262 વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 1877 વ્યક્તિને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ લોકો માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમિયાન, આજ શુક્રવારે સવારે પણ વડસરમાંથી નાગરિકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી એનડીઆરએફ દ્વારા જારી રાખવામાં આવી હતી. એનડીઆરએફના એક દસ્તાએ વડસરમાંથી કુલ 16 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. જેમાં પાંચ પુરુષ, છ મહિલા, ચાર બાળકો અને એક નવજાત બાળકોનો સમાવેશ થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *