મોબાઇલ પર ઓનલાઇન ગેમ રમવાને લઈને માતાએ ઠપકો આપ્યો તો ગાઝિયાબાદમાં આઠમાં ધોરણના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી. મૃતક વિદ્યાર્થી પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. ઘટનાના સમયે માતા-પિતા કામે ગયેલા હતા. માતા જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેમને ઘટનાની જાણ થઈ. પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે.
મૈનપુરી ગામ બેલારના રહેવાસી રામપ્રસાદ યાદવ પોતાની પત્ની અને 15 વર્ષીય એકમાત્ર પુત્ર યશ યાદવની સાથે લાલ કૂવા વિસ્તારના લક્ષ્મી વિહાર રેલવે કોલોનીના એક મકાનમાં ભાડે રહે છે. રામપ્રસાદ યાદવ એક દુકાનમાં નોકરી કરે છે અને પત્ની અન્યના ઘરે ઘરકામ કરવાનું કાર્ય કરે છે.
પોલીસના જણાવ્યા અનુસાર યશને મોબાઇલ ફોન પર ગેમ રમવાની લત લાગી ગઈ હતી. શુક્રવારે માતાએ આ વાતને લઈને તેને ઠપકો આપ્યો અને અભ્યાસ પર ધ્યાન આપવાની સલાહ આપી. તે બાદ રામપ્રસાદ યાદવ અને તેમના પત્ની પોત-પોતાના કામ પર જતા રહ્યા જ્યારે યશ ઘરે એકલો હતો. સવારે લગભગ સાડા 11 વાગે માતા કામ પરથી પાછી ફરી તો એકમાત્ર પુત્ર યશને ફાંસી પર લટકેલો જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પુત્રને નીચે ઉતારીને નજીકની હૉસ્પિટલે લઈ જવાયો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
એસીપીએ જણાવ્યું કે વેવ સિટી વિસ્તારના લાલ કૂવા નજીક લક્ષ્મી વિહાર રેલવે કોલોનીમાં રામપ્રસાદના પુત્ર યશ(15)નો મૃતદેહ ઘરની છત પર લાગેલા હુકમાં ફાંસીથી લટકેલો મળ્યો. યશ લાલ કૂવા સ્થિત જ્યોતિ પબ્લિક સ્કૂલના આઠમા ધોરણનો વિદ્યાર્થી હતો. માતાના ઠપકાથી નારાજ થઈને તેણે દુપટ્ટા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેમણે જણાવ્યું કે પરિવારના સભ્યોએ કાયદેસર કાર્યવાહી તથા પોસ્ટમોર્ટમથી ઇન્કાર કરી દીધો અને તેઓ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા. રિપોર્ટ અનુસાર એસીપીએ કહ્યું કે મૃતક વિદ્યાર્થીના માતાએ પોલીસને જણાવ્યું કે યશે ઓનલાઇન ગેમમાં બે લાખ રૂપિયા ગુમાવી દીધા હતા.
આ પ્રયત્ન જરૂરી
વાલીઓએ બાળકો સાથે સતત સંવાદ કરવો જોઈએ, બાળકો ગુમસુમ રહે તો તેમની સમસ્યા વિશે પૂછો અને તેનું સમાધાન કરવાનો પ્રયત્ન કરો.
બાળકોની ડિજિટલ ગતિવિધિઓ પર પણ નજર રાખો કે તેઓ સોશિયલ મીડિયા પર શું કરી રહ્યા છે
બાળકોના મિત્રો વિશે પણ જાણકારી રાખો, તેમના સ્કૂલ ટીચર કે અન્ય અધ્યાપક સાથે પણ વાત કરતાં રહો.
જો પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં છે તો તેમની સાથે પણ તેમની સમસ્યા વિશે વાત કરો.