Sri lanka,તા.08
શ્રીલંકા પ્રવાસની વનડે સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમ સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાયી હતી. જેમાં ભારતીય ટીમને 110 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની કૅપ્ટનશીપવાળી ટીમ 3 મેચની વનડે સિરીઝ 2-0થી હારી ગઈ હતી.
શ્રીલંકન સ્પિનરોએ ભારતીય બેટરને હંફાવ્યા
વોશિંગ્ટન સુંદર 30 રન, વિરાટ કોહલી 20 રન અને રેયાન પરાગ 15 રન કરીને પવેલિયન ભેગા થઈ ગયા. આ સિવાય કોઈ પણ બેટર ડબલ ડિજિટને પણ સ્પર્શી શક્યો નહોતો. ટીમ માટે માત્ર ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 35 રન બનાવ્યા. જ્યારે શ્રીલંકા માટે ડાબોડી સ્પિનર ડુનિથ વેલાલગે અને લેગ સ્પિનર જેફરી વેન્ડરસેએ સ્પિનની એવી જાળ ફેંકી કે આખી ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રનમાં સમેટાઈ ગઈ હતી. વેલાલગેએ 5 વિકેટ લીધી હતી. જ્યારે જેફરી અને મહિષ તિક્ષણાને 2-2 સફળતા મળી હતી. ઝડપી બોલર અવિષ્કા ફર્નાન્ડોએ 1 વિકેટ લીધી હતી.
રિયાન પરાગે 54 રન આપીને 3 વિકેટ લીધી
આ મેચમાં શ્રીલંકન ટીમે 7 વિકેટ ગુમાવીને 248 રન કર્યા હતા. શ્રીલંકન ટીમ તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ સૌથી વધુ 96 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય કુસલ મેન્ડિસે 59 અને પથુમ નીસંકાએ 45 રન બનાવ્યા હતા. એક સમયે શ્રીલંકાએ 35 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. ત્યારબાદ એવું લાગતું હતું કે શ્રીલંકા મોટો સ્કોર બનાવી લેશે, પરંતુ ભારતીય સ્પિનરોએ જોરદાર વાપસી કરી હતી. ઑફ સ્પિનર અને ઓલરાઉન્ડર રિયાન પરાગે 54 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ મેળવી હતી.
27 વર્ષ બાદ ભારત શ્રીલંકા સામેની વનડે સિરીઝ હાર્યું
શ્રીલંકાની ટીમે 27 વર્ષ બાદ ઘરઆંગણે ઇતિહાસ રચ્યો હતો. 1997 પછી પહેલી વખત શ્રીલંકાએ ભારતીય ક્રિકેટ ટીમને ઘરઆંગણે દ્વિપક્ષીય વનડે સિરીઝમાં હરાવી હતી. અગાઉ ઑગસ્ટ 1997માં અર્જુન રણતુંગાની કૅપ્ટનશીપ હેઠળની શ્રીલંકાની ટીમે સચિન તેંડુલકરની કૅપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમને હરાવી હતી. ત્યારે શ્રીલંકાએ 4 મેચની વનડે સિરીઝ 3-0થી જીતી લીધી હતી. જેમાં એક મેચ અનિર્ણિત રહી હતી.
અત્યાર સુધીમાં શ્રીલંકાની ધરતી પર ભારતીય ટીમે શ્રીલંકા સામે કુલ 10 દ્વિપક્ષીય વનડે સિરીઝ(વર્તમાન સિરીઝ સહિત) રમી છે. જેમાંથી ભારતીય ટીમે 5 અને શ્રીલંકાએ 3 સિરીઝ જીતી છે. 2 સિરીઝ ડ્રો રહી હતી.