Gandhinagar,તા.06
ગાંધીનગર એરપોર્ટ રોડને ચ-0 સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી 11 કિલોમીટર લંબાઇમાં મોડેલ રોડ તરીકે વિકાસવવા સરકારે મંજુરી આપી છે. નવીનીકરણ અંતર્ગત નવી ડામર કાર્પેટ થતી રહેવાના કારણે વર્ષો વિતવા સાથે રોડ ઉંચો અને ડિવાઇડર તથા ફૂટપાથ નીચા આવી જવાથી વાહનો તેની માથે ચઢી જવા કે કૂદી જવાના કારણે જાનલેવા અકસ્માતો પણ સર્જાયા છે. ત્યારે અકસ્માતની સામે સુરક્ષા મળે અને સાથે સુશોભન વધે તે પ્રકારે આ માર્ગને આગામી સમયમાં વિકાસવાશે.
પાટનગર યોજના વિભાગના ઇજનેરી સૂત્રો મુજબ 11.40 કિલોમીટર લંબાઇનો આ સિક્સલેન માર્ગ વીવીઆઇપી મુવમેન્ટ પણ ધરાવે છે. પરંતુ ડિવાઇડર અને ફૂટપાથની કબગ ખુબ નીચી અને ક્યાંક તો સમાંતર આવી ગઇ હોવાથી અને 50 કિલોમીટરની જ ગતિ મર્યાદાનું અહીં વાહન ચાલકો પાલન પણ કરતાં નહીં હોવાથી અકસ્માતોની હારમાળા સર્જાતી રહે છે.
અઘોષિત સ્ટેટ હાઇવે જેવા આ માર્ગ પર ખાસ કરીને પીડીપીયુ ચાર રસ્તા, ધોળાકુવા, કોબા સહિતના વિસ્તારોમાં છાશવારે વાહનો ડિવાઇડર કે ફૂટપાથ પર ચઢી ગયેલાં જોવા મળે છે. તેમાં ખાનગી ઉપરાંત સરકારી વાહનો પણ સામેલ હોય છે. વહેલી સવારે અને રાત્રીના સમય દરમિયાન અકસ્માતોની સંખ્યા વધુ રહે છે. તેના નિવારણ માટે પાટનગર યોજના વિભાગે કરેલી રૂપિયા 10 કરોડના અંદાજીત ખર્ચની દરખાસ્તને સરકારે મંજુરી આપતા આ માર્ગની સકલ સૂરત બદલાઇ જવાની છે.
આ માર્ગ પરથી દર 24 કલાકે 1 લાખ વાહનોની અવર જવર
અમદાવાદ શહેરને પાટનગર સાથે જોડતાં મુખ્યમાર્ગ પૈકીના એક એવા આ માર્ગ પર એરપોર્ટ જનારા અને ત્યાંથી આવનારા વાહનોનો ટ્રાફિક સૌથી વધારે રહેતો હોવાથી આ વાહનો વધુ ગતિમાં પણ દોડતાં હોય છે. ત્યારે મોડેલ રોડ સંબંધે કરવામાં આવેલા અભ્યાસ દરમિયાન એ વાત પણ ઉજાગર થઇ હતી કે દર 24 કલાકે અહીંથી 1 લાખ વાહનો પસાર થાય છે. એટલે, કે દર કલાકે 4167 વાહનો નીકળે છે. તેનો અર્થ એ પણ થાય છે, કે પ્રત્યેક મિનીટે 70 જેટલા વાહનો આ માર્ગ પર પરિહન કરતા હોય છે.