Ahmedabad,તા.૫
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રજાને જાણે બધી રીતે નવડાવવાનું નક્કી કરી લીધું લાગે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાને માળખાકીય સેવાઓ આપવામાં તો ઉણુ ઉતર્યુ છે અને આ કહેવાતુ સ્માર્ટ સિટી ગામડાં કરતાં પણ વધારે ખરાબ હોવાના પુરાવા તેની દૈનિક કામગીરી દ્વારા રોજ આપતું રહે છે ત્યારે તેમાં તે વધુ એક કૌભાંડ કરી રહ્યુ હોવાનો આરોપ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનની પરચેઝ કમિટીએ ૧૧ કરોડ રૂપિયાની થેલીઓ ખરીદવાનો નિર્ણય લીધો છે. હવે પ્લાસ્ટિકની થેલીઓ બંધ થઈ હોવાથી બીજી થેલીઓ માટે આ ટેન્ડર મૂકવામાં આવ્યું છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે કે વાસ્તવમાં આ પ્રજાના રૂપિયાનો વ્યય જ છે. આ પ્રકારની ખરીદીની કોઈપણ જરૂરિયાત નથી.
શાસક પક્ષ કૌભાંડ માટે અવનવી રીત શોધતું રહે છે તેનો આ પુરાવો છે. એકબાજુ તે મ્યુનિ. ખોટમાં હોવાનો દાવો કરે છે. આટલા વર્ષોમાં શાસક પક્ષ એક મ્યુનિસાપાલિટી નફો તો જવા દો પણ નહીં નફો કે નુકસાનની સ્થિતિમાં લાવી શક્યું નથી અને પ્રજાના માથે નીત નવા ખર્ચા તથા બિલ ફટકારી જાય છે.
શાસક પક્ષ દ્વારા રાજ્યના એકપણ શહેરમાં પૂરી પાડવામાં આવતી બસ સેવાના ઠેકાણા નથી. અમ્યુકોની બસ સેવા દિનપ્રતિદિન કથળતી જાય છે. લોકો કોર્પોરેટરોને મારવા લે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આમ છતાં શાસક પક્ષ નિંદ્રામાંથી જાગતો નથી. કોર્પોરેટરો અને સત્તાધીશો તેમની મોંઘી ગાડીઓમાંથી પગ નીચે મૂકતા નથી. નીતનવા તાયફામાંથી ઊંચા આવતા નથી. અમદાવાદ જેવા શહેરોમાં સીધી બસ સર્વિસ પણ પૂરી ન પાડી શકનારો શાસક પક્ષ તેની નિષ્ફળતાઓ છૂપાવવા માટે આ બધા તાયફા કરી રહ્યો છે.