Amreli,તા,03
ગત 20 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે આવ્યા હતા. જેથી તંત્ર રાતોરાત સફાળુ જાગી ખાડાઓ પુરી પેચવર્ક કરી રોડ બનાવી દીધો હતો. પરંતુ પેચવર્ક કર્યાના 15 દિવસમાં જ અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે પર મોટા ગાબડાં પડી ગયા છે. જેના લીધે વાહનચાલકો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. એટલા મોટા ગાબડાં પડી ગયા છે કે જો કોઇ વાહન ખાડામાં પડે તો મોટો અકસ્માત પણ સર્જાઇ શકે છે.
અમરેલી જિલ્લામાં જ્યારે કોઈ નેતા આવવાના હોય છે ત્યારે તેમના રૂટ પરના તમામ રસ્તા ચકાચક બનાવી તેવા માટે તંત્ર દિવસરાત એક કરી નાખે છે. પરંતુ ફક્ત દેખાડા પુરતા સમારકામના કરાયેલા આવા રસ્તા ફરી પાછા ખખડધજ બની જાય છે. જે અંગે લોકો ગમે તેટલી ફરિયાદ કરે પરંતુ સમારકામ કે પેચવર્ક પણ નથી કરાતુ. સ્થાનિકોને તે માટે ફરી કોઈ નેતા તેમના વિસ્તારમાં આવે તેની રાહ જોવી પડે છે.
અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવેની આ તસવીરો તેનો બોલતો પુરાવો છે. 15 દિવસ પહેલાં જે રસ્તાઓ સુંવાળા ગાલ જેવા બનાવી દેવામાં આવ્યા હતા ત્યાં આજે મોટા મોટા ગાબડાં જોવા મળી રહ્યા છે. 20 સ્પટેમ્બરે મુખ્યમંત્રી મુલાકાત લેવાના હોવાથી 19 સપ્ટેમ્બરે રાતોરાત ખાડાઓ પુરી પેચવર્ક કરીને સુંદર રોડ બનાવી ગયા હતા. પરંતુ નબળી ગુણવત્તાના કામના લીધે ખાડાઓ પડી ગયા છે. આ રોડ પરથી જતા વાહન અને વાહનમાં સવાર લોકો હલબલી જાય છે. પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
સ્થાનિકોનો આક્ષેપ છે કે એક વર્ષ અગાઉ એક નેતા અમરેલીની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના વિસ્તારનો રોડ સરાસ બનાવી દેવાયો હતો, ખાડા પણ પુરી દેવાયા હતા. પરંતુ ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ ફરી ખાડા પડી ગયા હતા. હવે આ વિસ્તારમાં ફરી કોઈ મોટા નેતા આવે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે.