Amreli, તા. 13
અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવનાર લેટરકાંડમાં આખરે ત્રણ પોલીસ કર્મચારીનો ભોગ લેવાયો છે. જેમાં એક મહિલા પોલીસ કર્મચારી સહિત ત્રણ પોલીસ કર્મચારીને ફરજમાંથી સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં સનસનાટી મચી જવા પામી છે. ત્યારે આ અમરેલીનો ચક્ચારી લેટર કાંડમાં વધુ કેટલાંકનો પણ ભોગ લેવાશે તેવું પણ ચર્ચાય રહ્યું છે.
અમરેલીમાં ભાજપના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા વિરૂધ્ધ થોડા દિવસ પહેલાં ગંભીર પ્રકારના આક્ષેપવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય, જેમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નકલી લેટરહેડનો ઉપયોગ થતાં આ બનાવમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક યુવતિ સહિત ચાર ઈસમોની અટકાયત કરી હતી.
આ બનાવમાં કોંગ્રેસ તથા ખોડલધામના ટ્રસ્ટી દ્વારા યુવતીને રી-કન્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યાનો આક્ષેપ કરવામાં આવતાં જિલ્લા પોલીસ વડા દ્વારા ડી.વાય. એસ.પી. સહિતના ત્રણ પોલીસ અધિકારીની સ્પે. ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.તો બીજી તરફ નારી સ્વાભિમાન આંદોલનના નેજા હેઠળ ધારણા જેવા કાર્યક્રમ યોજાયા હતા.
આ બનાવ બાદ ગઈકાલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા અમરેલી જિલ્લામાં લેટરકાંડ પ્રકરણ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ. કિશન આંસોદરીયા, પોલીસ કોન્સ. વરજાંગભાઈ મૂળયાસીયા તથા મહિલા પોલીસ કોન્સ. હિનાબેન મેવાડા સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ બનાવથી પોલીસબેડામાં સનસનાટી મચી જવા પામી છે.
ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.
અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. જેમાંDysp એ.જી.ગોહિલ, મહિલા P.I.આઇ.જે. ગીડા, મહિલા PSI એચ.જે.બરવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અમરેલી લેટરકાંડના મુદે અમરેલી બાદ સુરતમાં કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો છે. જેમાં ભારે વિરોધ સાથે પાયલ ગોટીને ન્યાય અપાવવા સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી હતી. આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપોની તપાસ માટેની માગ કરી હતી.
પોલીસે દીકરીનું સરઘસ કેમ કાઢવા અને અડધી રાત્રે તેની ધરપકડ કેમ કરાય તેને લઈને ખુલાસો માગવામાં આવ્યો. તમામ 200 જેટલી મહિલાઓએ પત્રમાં લખેલી માગ પૂરી ન થાય તો સ્વાભિમાન મિશનની ચિમકી પણ ઉચ્ચારી હતી.