Surat,
સુરત શહેરમાં મંદીની વાતો વચ્ચે બાંધકામ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. આ તેજીનો અંદાજ સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈ. પરથી થાય છે. સુરતમાં બાંધકામ ક્ષેત્ર આવી રહેલી તેજીના કારણે પાલિકાની પેઈડ એફ.એસ.આઈ.માં સતત વધારો થઈ રહ્યો છે. આજ દિન સુધીમાં સુરત પાલિકાની તિજોરીમાં 1009.29 કરોડ રૂપિયા પેઈડ એફ.એસ.આઈ. તરીકે જમા થઈ ગયા છે. અને 31 માર્ચ સુધીમાં આ આંકડો વધુ આગળ વધી શકે તેમ છે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં થતા બાંધકામમા અપાતી પેઈડ એફ.એસ.આઈ. પાલિકાની આવકમાં વધારો કરી રહી છે. આ વર્ષે બજેટમાં પેઈડ એફ.એસ.આઈ. પેટે 950 કરોડની આવક થાય તેવો અંદાજ રાખવામાં આવ્યો હતો. જોકે, આજે છ માર્ચ થઈ છે ત્યાં તો પાલિકાની તિજોરીમાં પેઈડ એફ.એસ.આઈ. પેટે 1009.29 કરોડની આવક થઈ ગઈ છે. આ નાણાકીય વર્ષમાં 49 જેટલા પ્લાન મંજુર કરાવવા આવ્યા છે જ્યારે પ્લોટ વેલીડેશન માટેની 2802 ફાઈલ મંજુર કરવામાં આવી છે. જેના કારણે પાલિકાની પેઈડ એફ.એસ.આઈ.ની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ મંદીની બુમ ચાલી રહી છે પરંતુ પાલિકાના પેઈડ એફ.એસ.આઈ.ના આંકડા બાંધકામ ક્ષેત્રે તેજી આવી હોવાનું કહી રહ્યા છે.