America,તા.29
એકબાજુ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે. ત્યાં હાલમાં જ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને અમેરિકાના પૂર્વપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થતાં ખળભળાટ મચી ગયો હતો. હજુ માંડ એ ઘટનાને થોડાક જ દિવસો વીત્યાં હતા ત્યાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેને લઇને અમેરિકાના ગન કલ્ચર સામે સવાલો ઊઠવાનું શરૂ થયું છે. તાજેતરનો મામલો ન્યૂયોર્કનો છે.
20 વર્ષીય યુવાનનું મોત
અહેવાલો અનુસાર, ન્યૂયોર્કના રોચેસ્ટર શહેરના પાર્કમાં ગોળીબાર થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 20 વર્ષીય યુવાનનું મૃત્યુ થયાની માહિતી છે. જ્યારે અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા જાણ થઇ કે 7 લોકોને ગોળી વાગી હતી. મોટી સંખ્યામાં લોકો પાર્કમાં હાજર હોવાથી અફરાતફરી મચી ગઈ હતી. એકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક પણ વધી શકે છે. તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે તપાસ માટે લોકોની મદદ માગી
ન્યૂયોર્ક પોલીસના એક અધિકારી કેપ્ટન ગ્રેગ બેલોએ કહ્યું કે, ‘હાલમાં અમને એ વાતની માહિતી નથી કે આ ગોળીબારની ઘટનામાં કેટલાં હુમલાખોરો સામેલ હતા. કોઈ શંકાસ્પદની ધરપકડ પણ થઈ શકી નથી. અમે લોકો પાસે ઘટનાસ્થળના વીડિયો માગ્યા છે અને તપાસમાં સહયોગી પણ માગ કરી છે.’