America,તા.29
અમેરિકામાં ટ્રમ્પ સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકામાં હવે લિંગ પરિવર્તન કરવું સરળ નહીં રહેશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લિંગ પરિવર્તન કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે. ટ્રમ્પના આદેશ પ્રમાણે અમેરિકામાં 19 વર્ષથી ઓછી ઉંમરના લોકો લિંગ પરિવર્તન નહીં કરાવી શકશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે તેના પર પ્રતિબંધ મૂકવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
જાણો ટ્રમ્પે શું કહ્યું
ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે, ‘અમેરિકાની નીતિ છે કે તે બાળકના એક લિંગથી બીજા લિંગમાં કહેવાતા ‘ટ્રાન્ઝીશન’ને ફંડ, સ્પોન્સર, પ્રોત્સાહન, સહાય અથવા સમર્થન ન આપશે અને તે આ વિનાશક અને જીવન બદલનારી પ્રક્રિયાઓને પ્રતિબંધિત અથવા મર્યાદિત કરનારા તમામ કાયદાઓને સખતીથી લાગુ કરશે.’
ટ્રાન્સજેન્ડરને લઈને પણ ટ્રમ્પનો મોટો નિર્ણય
તાજેતરમાં ટ્રમ્પે ટ્રાન્સજેન્ડરને લઈને પણ એક મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે સોમવારે પેન્ટાગોનને એક સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો જેનાથી ટ્રાન્સજેન્ડરને લશ્કરી સેવામાંથી પ્રતિબંધિત કરી શકાય છે. આ પહેલા ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં અમેરિકામાં સરકારી દસ્તાવેજોમાંથી ટ્રાન્સજેન્ડરનો ઓપ્શન જ હટાવી દીધો હતો.