ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ૧૫થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ૧૫મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનું આયોજન થવાનું છે
Mumbai, તા.૨૨
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ૧૫થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ૧૫મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનું આયોજન થવાનું છે, જેમાં રામ ચરણને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, આ અંગે તેણે પોતાના સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષે વિક્ટોરિયન સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાની ઉજવણી કરે છે. આઈએફએફએમ દ્વારા સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી ફૅન્સ ઘણા ઉત્સુક છે. તેમની જાહેરાતમાં તેમણે ઉત્સાહપૂર્વક રામ ચરણને આવકારીને તેને ‘ગ્લોબલ સ્ટાર’ ગણાવ્યો હતો. આ પ્રસંગે ભારતીય સિનેમામાં મહત્વના રોલ કરનાર રામ ચરણ માત્ર અતિથિ વિશેષ જ નહીં પરંતુ તેને ભારતીય કલા અને સંસ્કૃતિના એવોર્ડ માટેનો એમ્બેસેડર નીમવામાં આવ્યો છે. તે દર્શાવે છે કે રામચરણના ફિલ્મ ક્ષેત્રે પ્રદાનની વિશ્વકક્ષાએ નોંધ લેવાઈ છે. આ અંગે રામ ચરણે પણ સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું હતું, “આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરવું અને વિશ્વભરના ફિલ્મ રસિકો સાથે સંપર્ક કરવો એ મારા માટે ગૈરવપૂર્ણ વાત છે.” આ ઇવેન્ટ બાબતે લોકોમાં ઉત્સાહ વધારવા માટે રામ ચરણ ઉત્સુક છે, જ્યાં તે વિશ્વકક્ષાએ ભારતીય સિનેમાનું સાસાંકૃતિક વૈવિધ્ય દર્શાવી શકે. આઈએઇએઇએમમાં તેની હાજરી યાદગાર ગણાશે, જે ઉત્કૃષ્ટ સિનેમાની ઉજવણી અને સાંસ્કૃતિક આદાન પ્રદાનની ખાતરી આપે છે. રામ ચરણે છેલ્લે ‘આરઆરઆર’માં કામ કરેલું, જેને વિશ્વ સ્તરે નામના મળી. આ ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’ને વિશ્વ કક્ષાએ લોકોએ વખાણ્યું અને તેને ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા. તે ફેસ્ટિવલ દરમિયાન દર્શકો સાથે આ સિદ્ધિઓ પણ વહેંચવા ઉત્સુક છે.