ઇન્ડસ્ટ્રીના લોકો હોય કે પછી ઓડિયન્સ, દરેક ‘પુષ્પા ૨- ધ રુલ’ની રિલીઝ બાબતે ખૂબ ઉત્સાહિત અને ઉત્સુક છે
Mumbai,તા.૨૨
ઇન્ડસ્ટ્રીના લોકો હોય કે પછી ઓડિયન્સ, દરેક ‘પુષ્પા ૨- ધ રુલ’ની રિલીઝ બાબતે ખૂબ ઉત્સાહિત અને ઉત્સુક છે. ઘણા લોકોને એવી આશા કે એવો વિશ્વાસ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી નાખશે અને ‘પુષ્પા’થી પણ વધુ સારી બનશે. તેથી ફિલ્મ તેની જાહેર થયેલી તારીખે રિલીઝ થશે કે પછી તેની રિલીઝ પાછી ઠેલાશે તે બાબતે અલ્લુ અર્જુનના ફૅન્સ થોડા ચિંતામાં હતા. એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અલ્લુ અર્જુન અને ફિલ્મના ડિરેક્ટર સુકુમાર વચ્ચે મતભેદ થવાથી ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે. ત્યારે હવે અલ્લુ અર્જૂનના મેનેજર સરથ ચંદ્ર નાયડૂએ એક્સ પર ખુલાસો કર્યો છે. પુષ્પાની ઈનસાઈડ્સ જાણવા હજારો લોકો આતુર છે. આવા જ એક ફેને સરથ ચંદ્રને ટૅગ કરીને ફિલ્મ રિલીઝ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે સરથ ચંદ્રએ જવાબ આપતાં લખ્યું હતું,“સુકુમાર ગરુએ ફિલ્મના પહેલા ભાગના એડિટિંગનું કામ શરૂ કરી દીધું છે. એડિટીંગ વચ્ચે બ્રેક લેવો એ સામાન્ય બાબત છે.” જ્યારે વધુ એક યૂઝરે આ બ્રેક અંગે પૂછ્યું તો સરથ ચંદ્રએ પોતાની કમેન્ટમાં વિગતવાર સમજાવ્યું હતું કે પહેલા ભાગના એડિટ સિવાય ડિરેક્ટર સુકુમાર સીજીઆઈ પર પણ કામ કરી રહ્યા છે. તેમણે ફૅન્સને ખાતરી આપી હતી કે ફિલ્મનું કામ યોગ્ય ગતિએ ચાલી રહ્યું છે અને તે તેની નિયત તારીખ મુજબ ૬ ડિસેમ્બરે જ થિએટરમાં રિલીઝ થશે. ‘પુષ્પા ધ રાઇઝ’ પહેલો ભાગ ૨૦૨૧માં રિલીઝ થયેલો, ત્યારે કોઈ ખાસ પ્રમોશન વિના શાંતિથી ફિલ્મ રિલીઝ થઈ ગઈ હતી પરંતુ ટૂંક સમયમાં તે વખતની સૌથી મોટી સફળ ફિલ્મ બની ગઈ હતી. બધાં જ પ્લેટફર્મ્સ પર ફિલ્મ અને તેના ગીતોને પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના, ફવાદ ફાઝિલ, અનસૂયા ભારદ્વાજ અને રાવ રમેશ સહિતના કલાકારો હતા.