New Delhi,તા.01
મહાકુંભમાં જવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે વિવિધ એરલાઈન્સએ ‘મોકા-નો-ફાયદો’ ઉઠાવીને જે રીતે અત્યંત ઉંચા વિમાની ભાડા વસુલવાનું શરૂ કર્યુ હતું અને વિદેશ પ્રવાસ કરતા પણ પ્રયાગરાજ જવાનું મોંઘુ પડતુ હતું તેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લાલ આંખ કરતા જ હવે પ્રયાગરાજના વિમાની ભાડા અડધા થઈ ગયા છે.
બે દિવસ પુર્વે જ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ એરલાઈન્સના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી ઉંચા ભાડા વસુલવા સામે પ્રશ્નો પુછયા હતા.
એરલાઈન્સની દલીલ એવી હતી કે, મહાકુંભની વર્તમાન સ્થિતિ 140 વર્ષમાં પ્રથમ વખત આવે છે અને તે જોતા તેઓએ ભાડામાં વધારો કર્યો હતો પણ સરકારે તે દલીલ ફગાવી હતી.
એરલાઈન વ્યાજબી ભાડા લઈ શકે છે પણ કોઈ ખાસ કારણ વગર વધારાના ઉંચા ભાડા વસુલે તે યોગ્ય નથી. સરકારે મહાકુંભ માટે એરલાઈન્સને 81 વધારાની ઉડાનની મંજુરી આપી હતી.
દિલ્હી પ્રયાગરાજનું ભાડુ તો 21 ગણું વધારી દેવાયુ હતું. જેના કારણે ભારે દેકારો મચી ગયો હતો.