બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે, અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ તાજેતરમાં જ થિયેટરમાં રિલીઝ થઈ હતી
Mumbai, તા.૨૦
બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે, અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ તાજેતરમાં જ થિયેટરમાં રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. હવે અક્ષય કુમાર તેના અપકમિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે જો આપણે એક્ટરના અંગત જીવન વિશે વાત કરીએ, તો અક્ષયનું તેની પત્ની અને એક્ટ્રેસમાંથી લેખિકા બનેલી ટિં્વકલ ખન્ના અને તેના બાળકો આરવ અને નિતારા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. સુપરસ્ટારે એકવાર કહ્યું હતું કે, શા માટે તે ક્યારેય તેના દીકરા આરવને ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવા દેતો નથી. વાસ્તવમાં, એક રિયાલિટી ટીવી શો દરમિયાન અક્ષય કુમારે તેના પેરેન્ટિંગ કૌશલ્ય વિશે જણાવ્યું હતું અને તેણે તેના દીકરા આરવ અને દીકરી નિતારાને કેવી રીતે ઉછેર્યા છે. આ દરમિયાન અક્ષયે ખુલાસો કર્યો હતો કે, તેનો દીકરો આરવ ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટમાં મુસાફરી કરતો નથી. ‘ખેલ ખેલ મેં’ એક્ટરે કહ્યું હતું કે, “તમે માનશો નહીં, હું આજ સુધી ખર્ચ કરી શકું છું, મારો આખો પરિવાર ફર્સ્ટ ક્લાસમાં જઈ શકે છે, છતાં મારો દીકરો ઈકોનોમીમાં જાય છે. તે પાછળ બેસે છે. હું અને મારી પત્ની આગળ બેસીએ છીએ.” અક્ષયે કહ્યું કે, તે તેને એવું અનુભવવા નથી દેતો કે, તે એક સુપરસ્ટારનો દીકરો છે કારણ કે અભિનેતા ઈચ્છે છે કે તે તેના જીવનમાં પૈસાનું મહત્ત્વ સમજે. ૫૭ વર્ષીય અભિનેતાએ વધુમાં કહ્યું કે, તેણે તેના જીવનમાં ક્યારેય બાળકોને માર્યા નથી, પછી તે જીદ અથવા અન્ય કારણોસર હોય. અભિનેતાએ વધુમાં કટાક્ષ કર્યો કે, તેની પત્ની ટિં્વકલ ક્યારેક તેને થપ્પડ મારે છે. જોકે, તેણે આવું ક્યારેય કર્યું નથી. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર અને ટિં્વકલ ખન્નાના દીકરા આરવે ૧૫ સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર વિદેશી લોકેશન પરથી ટિં્વકલ અને આરવ સાથેની પોતાની એક તસવીર શેર કરી હતી. સુપરસ્ટારે તેની પોસ્ટમાં દીકરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અક્ષયે આરવ માટે ખૂબ જ ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, તેનું હૃદય ગર્વથી ભરાઈ જાય છે કારણ કે, તેઓ તેમના દીકરાને એક દયાળુ અને પ્રેમાળ વ્યક્તિ તરીકે મોટા થતા જોયા છે. અક્ષયે કહ્યું કે, આરવની હાજરી તેના જીવનમાં ખુશીઓ લાવે છે.