ખોટી સહીઓ કરી રૂ.૭૦ હજારની લોન લઈ પધરાવી દીધા પરંતુ લોનનો હપ્તો નહીં ભરાતા ફાઈનાન્સ કંપનીએ ઘરે નોટિસ મોકલી અને ભાંડો ફૂટયો
Ahmedabad,તા.૪
કહેવાય છે પ્રેમ આંધળો હોય છે. આજકાલ લોકો પ્રેમમાં કઈ પણ કરી શકે છે, તેનું ઉદાહરણ આપતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જેમાં પ્રેમીને પૈસાની જરૂર હોવાથી પ્રેમિકાએ પિતાના ડોક્યુમેન્ટ ચોરી લીધા હતા અને ખોટી સહીઓ કરી રૂપિયા ૭૦ હજારની લોન લઈ પધરાવી દીધી હતા. અભયમની ટીમે દીકરીનું પ્રેમીનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું
જોકે, લોનનો હપ્તો નહીં ભરાતા ફાઈનાન્સ કંપનીએ ઘરે નોટિસ મોકલી હતી અને દીકરીએ પ્રેમી માટે કરેલા કાંડનો ભાંડો ફૂટયો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પિતા દીકરીને લઈને પ્રેમીના ઘરે લઈ ગયા હતા, જ્યાં પ્રેમીએ પૈસા લીધા ન હોવાનું રટણ કર્યું હતું. છેવટે પિતાને અભયમની મદદ માંગવી પડી અને ટીમે દીકરીનું પ્રેમીનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું. આ ઘટનામાં દીકરીએ પ્રેમીને પૈસા આપીને મદદ કરી હતી, એ વાતની જાણ પિતાને ખબર નહોતી. પરંતુ જ્યારે ફાઈનાન્સ કંપનીમાંથી રૂ.૭૦ હજાર ભરવાના હોવાની નોટિસ આવી ત્યારે માતા-પિતાએ કોઈ લોન લીધી ન હોવાથી આ નોટિસ કેવી રીતે આવી તે બાબતે તપાસ કરાવી હતી. જે બાદ જાણવા મળ્યું હતું કે, પિતાના નામે દીકરીએ લોન લીધી હતી.
અભયમની ટીમે પ્રેમીનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપી હતી. બન્ને જણાની પુછપરછમાં સામે આવ્યું હતું કે યુવતીને છેલ્લા વષર્થી ૨૩ વષર્ના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. પ્રેમી યુવકની પૈસાની જરૂર હોવાથી તેણે આ કૃત્ય કર્યું હતું. યુવતીએ અભયમની ટીમ સામે સ્વીકાર્યું હતું કે, તેણે પૈસા પ્રેમીને આપ્યા હતા અને ટીમે યુવતીને પણ ઘરમાંથી આ રીતે ચોરી નહીં કરવા સમજાવી હતી.
પ્રેમીને ૭૦ હજાર આપવા માટે યુવતીએ પિતાના ડોક્યુમેન્ટ ચોરીને ફાયનાન્સ કંપનીમાં આપીને પિતાની ખોટી સહી પણ કરી લીધી હતી. પરંતુ લોન એપ્રુવલ માટે પિતાના ફોટાની જરૂર હોવાથી યુવતી તેના પિતાને એક દુકાને ખરીદી કરવાના બહાને લઈ ગઈ હતી. જ્યાં કંપનીના કમર્ચારીને ચોરી છૂપીથી ફોટો ખેંચવા જણાવ્યું હતું.