Agra,તા.16
તાજમહેલ પ્રેમનું પ્રતીક છે પણ તાજમહલની નગરી આગ્રામાં ફેમિલી કોર્ટમાં અજબ ગજબ કિસ્સાઓ આવી રહ્યા છે. એક પતિ પત્નીની પિયર જવાથી પરેશાન થઈને કોર્ટે પહોંચ્યો છે, જયારે એક પતિ ઈચ્છે છે કે તેની પત્ની ઈન્સ્ટાગ્રામ વાળી છોકરીની જેમ તેને પ્રેમ કરે!
આ ઉપરાંત એક પત્ની પોતાના પતિની ચાર પ્રેમિકાથી પરેશાન થઈને પરામર્શ કેન્દ્રમાં પહોંચી છે. આ અંગેની વિગત મુજબ એક પતિ તેની પત્નીના પિયર જવાની આદતથી પરેશાન થતા ડિપ્રેસનમાં આવી ગયો હતો.
પત્નીને સમજાવવાના બધા ઉપાયો ફેલ જતા અદાલતમાં અરજી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે. હું ઈચ્છુ છું કે તે મારી સાથે રહે અને મારી વાત પણ સાંભળે.
અન્ય એક અજબ કિસ્સામાં પત્નીએ પતિ પર આરોપ લગાવ્યો હતો કે, પતિને ચાર-ચાર પ્રેમિકાઓ છે. આ પત્ની પરિવાર પરામર્શ કેન્દ્રમાં પહોંચી હતી તેનો આરોપ હતો કે, પતિને તેની પ્રેમિકાઓથી જ છુટ્ટી નથી મળતી. તે પરિવાર પર ધ્યાન નથી આપતો. તેને અને બાળકોને પણ તેણે સમય આપવો જોઈએ.
રવિવારે પરિવાર પરામર્શ કેન્દ્રમાં કાઉન્સીલરોએ અનેક તબકકામાં સાત યુગલોનાં સમાધાન કરાવ્યુ હતું. પતિઓએ લેખિતમાં કહ્યું હતું કે, તે હવે પત્નીને ઉત્પીડન નહીં કરે. સામે પક્ષે પત્નીએ પણ આશ્વાસન આપ્યું હતું કે, તે પોતાનો પતિ સાથે વ્યવહાર સંયમી રાખશે, મેણાં નહીં મારે.