Bangkok, Myanmar,તા.29
ગઈકાલે મ્યાનમાર અને બેંગ્કોકમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી છે. વિનાશકારી ભૂકંપ બાદ આખું બેંગ્કોક અને મ્યાનમારમાં ઠેર ઠેર તબાહીના દ્દશ્યો નજરે પડી રહ્યા છે. ભૂકંપ બાદ જમીનદોસ્ત થઈ ગયેલી ઈમારતોના કાટમાળ નજરે પડી ગયા છે. સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે.
અનેક લોકો લાપતા બન્યા છે. મૃત્યુ આંક વધી શકે છે. લોકો કાટમાળમાં પોતાના સ્વજનને શોધતા નજરે પડી રહ્યા છે. સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભયનો માહોલ છે.
મ્યાનમાર, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, ભારત અને દક્ષિણ-પશ્ચિમ ચીન સહિત 5 દેશોમાં ભૂકંપની અસર જોવા મળી હતી. ભારતમાં કોલકાતા, ઈમ્ફાલ, મેઘાલય અને ઈસ્ટ કાર્ગોહિલમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. બાંગ્લાદેશમાં ઢાકા, ચટગાંવ સહિત અનેક ભાગોમાં 7.3ની તીવ્રતાના જટકા આવ્યા હતા. મ્યાનમાં 12 મિનિટ બાદ ફરી 6.4ની તીવ્રતાનો આફટર શોક આવ્યો હતો.
ભારતીય નાગરિક પ્રેમકિશોર મોહંતી બેંગ્કોકમાં રહે છે. તેમણે જણાવ્યું કે, જયારે ભૂકંપ આવ્યો ત્યારે તે દીકરીની સ્કુલમાં હતા. મને ચકકર આવવા લાગ્યા તો હું નીચે જમીન પર બેસી ગયો. ઉપર જોયું તો લાઈટોના થાંભલ ઝુલી રહ્યા હતા. મેદાન તરફ ભાગવાનું કહેવામાં આવ્યું. રસ્તા પર ઉંચી ઈમારતોમાં બનેલ સ્વીમીંગ પુલ પરથી પાણી ઝરણાંની જેમ નીચે વહી રહ્યું હતું. આ ભયાનક દ્દશ્ય હતું.
વિનાશકારી, ભૂકંપની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં ગગનચુંબી ઈમારતો ભૂકંપથી ડોલતી જોવા મળે છે. જેમાં અનેક ઈમારતો ઝુકી ગઈ છે. બેંગ્કોકમાં અનેક ઈમારતો ધસી પડયાનો વિડીયો બહાર આવ્યો છે. જયારે થાઈલેન્ડમાં આવેલ સ્કોટલેન્ડના પર્યટક ફ્રેઝર માર્ટને જણાવ્યું હતું કે અચાનક પુરી ઈમારત હલવા લાગી હતી.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (એનસીએસ)ના નિર્દેશક ડો. ઓ.પી.મિશ્રાએ મ્યાનમારમાં અગાઉ આવેલા 6 ભૂકંપના બારામાં જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ ભૂકંપ સૌથી મોટી ફોલ્ટ લાઈન સાગાઈંગ પર આવ્યા હતા. આ લાઈન 1200 કિલોમીટર સુધી ફેલાયેલી છે.
તેમણે જણાવ્યું હતું કે, રિકટર સ્કેલ 7થી વધુ તીવ્રતાવાળા ભૂકંપની આ પહેલી ઘટના નથી. આ ફોલ્ટલાઈન પર ભૂતકાળમાં 7થી વધુ તીવ્રતાવાળા અનેક ભૂકંપ આવ્યા છે. ભૂકંપ 20થી30 કિલોમીટરની ઉથલી ઉંડાઈ પર આવ્યો હતો. આ ખૂબ જ ભૂકંપીય ક્ષેત્ર છે, જયાં ભૂકંપની આવવાની વધુ સંભાવના છે. તેની ઉંડાઈ ઉથલી સીમામાં હતી, જે 20-30 કિલોમીટર વચ્ચે આવેલી છે.
મ્યાનમારમાં ભૂકંપ આવવો સામાન્ય વાત છે. કારણ કે મ્યાનમાર સાગાઈંગ ફોલ્ટ લાઈન પર આવેલ છે, જે ભૂકંપવાળુ ક્ષેત્ર છે. તે ભારતીય અને યુરેશિયન પ્લેટો વચ્ચે છે અને તેના ટકરાવવાથી પુરા ક્ષેત્રમાં ભૂકંપ આવે છે. સાગાઈંગ ફોલ્ટ પાસે 1930-1956 દરમિયાન 7.0ની તીવ્રતાના 6 ભૂકંપ આવ્યા હતા.