Jamnagarતા.18
રિલાયન્સ નજીક ઉભા કરાયેલા વૈશ્વિક કક્ષાના ઝૂ અને રેસ્ક્યુ સેન્ટર વનતારાની વડાપ્રધાને મુલાકાત લીધા બાદ દેશભરમાંથી સેલિબ્રેટીઓ વનતારાની મુલાકાતે આવી રહી છે. શ્રી શ્રી રવિશંકરે ગઇકાલે મુલાકાત લીધા બાદ આજે બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 માર્ચના રોજ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાની મુલાકાત લીધી હતી. આ પછી જુદા જુદા ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓ વનતારાની મુલાકાતે આવી રહ્યાં છે જેને કારણે આ સ્થળ સતત પ્રચારમાં રહ્યું છે. રવિવારે ધ્યાનગુરૂ શ્રી શ્રી રવિશંકર જામનગર આવી પહોંચ્યાં હતાં.
બાદમાં ગઇકાલે તેઓએ વનતારાની મુલાકાત લીધી હતી. આ પછી ગઇરાત્રે બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ખાસ વિમાન મારફત જામનગર આવી પહોંચ્યા હતાં અને જામનગર એરપોર્ટથી રિલાયન્સ સિક્યુરિટી તથા પોલીસ બંદોબસ્ત સાથે વનતારા જવા રવાના થયા હતાં. તેઓએ આજે સવારે આ પરિસરનું ભ્રમણ કરી નિરીક્ષણ કર્યું હતું.
આ પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેમજ ફિલ્મી સિતારાએ પણ વનતારાની મુલાકાત લીધી હતી. જે પ્રમાણે સેલિબ્રીટીઓની સતત મુલાકાત ગોઠવાઇ રહી છે. ત્યારે આગામી સમયમાં વનતારાને જાહેર જનતા માટે એક પ્રવાસન સ્થળ તરીકે ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા છે.
આ પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા રિલાયન્સના યુવા ડાયરેક્ટર અનંત અંબાણીએ એક વર્ષ પહેલાં જ મીડિયા સાથેની વાતચિતમાં વનતારાને ભવિષ્યમાં સામાન્ય લોકો માટે ખુલ્લું મુકવાની જાહેરાત કરી હતી.