Shimla Masjid વિવાદ : ઉગ્ર પ્રદર્શન બાદ વેપારીઓ રસ્તા પર ઊતર્યા,હનુમાન ચાલીસાનો કર્યો પાઠ

Share:

shimla,તા,12

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના ઉપનગર સંજૌલીમાં વિવાદિત મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે સંજૌલીમાં હિંસક પ્રદર્શન બાદ શહેરના વેપારીઓ ગુરુવારે શિમલાના રસ્તા પર ઉતરી આવ્યા હતા. મસ્જિદમાં ગેરકાયદે બાંધકામનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે કરેલા લાઠીચાર્જથી વેપારીઓ આંદોલનના માર્ગે ઉતરી આવ્યા છે. વેપારીઓએ વિરોધમાં રેલી કાઢી હતી અને રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

શિમલા એસપીને બરતરફ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા

સંજૌલીમાં હિન્દુ સમુદાયના ઉગ્ર પ્રદર્શન ઘણા વેપારીઓ સામેલ થયા હતા. લાઠીચાર્જમાં કેટલાક વેપારીઓ ઘાયલ થયા છે. લાઠીચાર્જથી નારાજ વેપારીઓએ પોતાની દુકાનોને તાળા મારીને વિરોધ નોંધાવ્યો હતો. શિમલા વ્યાપાર મંડળના આહ્વાન પર વેપારીઓએ શેર-એ-પંજાબથી લોઅર બજાર થઈને ડેપ્યુટી કમિશનરની ઓફિસ સુધી વિરોધ રેલી કાઢી હતી. વિરોધ કરી રહેલા વેપારીઓએ શિમલા એસપીને બરતરફ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વેપારીઓનું કહેવું છે કે, વિરોધ કરી રહેલા હિંદુઓ પર પોલીસ લાઠીચાર્જ કરે તે કોઈપણ રીતે યોગ્ય નથી.

સંજૌલી બજાર સતત બીજા દિવસે બંધ રહ્યું

વિવાદાસ્પદ મસ્જિદના કારણે ચર્ચામાં આવેલ સંજૌલીનું આખું બજાર સતત બીજા દિવસે પણ બંધ રહ્યું છે. લાઠીચાર્જના વિરોધમાં ઉપનગરોના વેપારી મંડળોએ પણ દુકાનો બંધ રાખી છે. ધાલી, ટુટૂ અને બાલુગંજ ઉપનગરોમાં પણ દુકાનોના તાળા લાગેલા જોવા મળ્યા હતા.

શું કહ્યું શિમલા વેપારી મંડળના પ્રમુખ

શિમલા વેપારી મંડળના પ્રમુખ સંજીવ ઠાકુરે જણાવ્યું છે કે સંજૌલીમાં હિંદુ સમુદાય પર લાઠીચાર્જની ઘટનાના વિરોધમાં સવારે 10 થી 1 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે ‘આ માત્ર ત્રણ કલાક માટે બંધ કરવામાં આવ્યું છે અને તેના દ્વારા અમે અમારો અવાજ પ્રશાસન સુધી પહોંચાડવા માંગીએ છીએ.’

તેમણે કહ્યું કે, ‘સ્થાનિક વેપારી અને શિમલા શહેરી વિસ્તારના ભાજપના વિધાનસભા ઉમેદવાર સંજય સૂદ પણ સંજૌલીમાં થયેલા લાઠીચાર્જમાં ઘાયલ થયા છે. તેના મોઢા પર ઈજાના નિશાન છે. અને સંજય સૂદ સહિત અન્ય નેતાઓ પર લાઠીચાર્જ કરવો ખૂબ નિંદનીય છે. બહારના રાજ્યોના લોકો જે પોતાની ઓળખ છતી કર્યા વિના અહીં વેપાર કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે જો આમ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *